શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ પહેલા કુપવાડામાં એક આતંકીને ઠાર કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, શુક્રવારે આતંકીઓ એક ઘરમાં છુપાયા હોવાની જાણકારી સેનાને મળી હતી અને કેટલાક લોકોને આતંકીઓએ બંધક પણ બનાવી રાખ્યા હતા. જેના બાદ સેનાએ ઓપરેશન હાથ ધરી આ ત્રણેય આતંકીઓનો સફાયો કરી દીધો હતો. આ ઓપરેશન 55RR અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે ચલાવ્યું હતું.
આ પહેલા શુક્રવારે જ સવારે કુપવાડાના ત્રેહગ્રામ વિસ્તારમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. જ્યારે બીજી તરફ પુલવામામાં જ એનકાઉન્ટર સાઇટ પાસે લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં 10 ઘાયલ થયા હતા અને એક નાગરિકનું મોત થયું હતું.