શ્રીનગર: વરિષ્ઠ પત્રકાર અને ‘રાઈઝિંગ કાશ્મીર’ સમાચારપત્રના સંપાદક શુજાત બુખારીની હત્યા મામલે જમ્મુ કાશ્મીર પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજી એસપી પાનીએ જણાવ્યું કે આ ઘટનાને આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ અંજામ આપી હતી અને આ ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીર પોલીસ પ્રમાણે શુજાત બુખારીની હત્યાકાંડમાં ચાર આતંકી પૈકી એક પાકિસ્તાનનો છે.


આઈજી એસપી એ જણાવ્યું કે શુજાત બુખારીના હત્યારા તરીકે પાકિસ્તાની આતંકી સજ્જાદ ગુલ, આઝાદ અહમદ મલિક, મુઝફર અહમદ ભટ અને નવીદ જટની ઓળખ કરવામાં આવી છે.પોલીસે આ તમામ આતંકીઓની તસવીરો પણ જાહેર કરી છે.

જણાવી દઈએ કે નવીન જટ ફેબ્રુઆરીમાં મહારાજા હરિ સિંહ હોસ્પિટલથી પોલીસની પકડમાંથી ફરાર થઈ ગયો હતો. નવીદ જટને આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો નજીકના માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ‘રાઈઝિંગ કાશ્મીર’ ના સંપાદક બુખારીની 14 જૂને પ્રેસ એંક્લેવ સ્થિત તેના કાર્યાલય બહાર ત્રણ લોકોએ તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ હુમલામાં બુખારીના બે ખાનગી સુરક્ષા અધિકારી પણ માર્યા ગયા હતા. શુજાત બુખારી પર હુમલો એ વખતે થયો હતો જ્યારે તે ઈફ્તાર માટે પોતાના ઘરે જઈ રહ્યા હતા.