જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા સુરક્ષાદળો અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. મરનાર આતંકીઓમાં હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર સમીર ટાઇગર પણ સામેલ છે.


ગુપ્ત સૂચનાઓ મળ્યા પછી સેના, એસઓજી, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સોમવારે સવારે પુલવામાના દ્રબગામ ગામમાં નાકાબંધી શરૂ કરી દીધી. પોતાને ઘેરાયેલા જોઇને આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાનોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે.

એન્કાઉન્ટર દરમિયાન સ્થાનિક લોકોએ પથ્થરમારો પણ કર્યો. આ દરમિયાન જવાનો અને લોકો વચ્ચે થયેલા સંઘર્ષમાં કેટલાક જવાનો પણ ઘાયલ થઇ ગયા. ઘણા નાગરિકો પણ ઘાયલ થયા છે.

સમીર ટાઇગર 2016માં હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી છે અને હિજબુલના ઘણા હુમલાઓમાં સામેલ થઇ ચૂક્યો છે. બુરહાન વાણી પછી સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સમીરે આતંકી વસીમની અંતિમ યાત્રામાં સામેલ થઇને ફાયરિંગ પણ કર્યું હતું.