પુલવામા: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલો સ્ટેટ બેંક પાસે થયો જ્યાં સીઆરપીએફના જવાનો હાજર હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં એક જવાનના ઘાયલ થવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. આ હુમલા બાદ સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની તપાસ માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દિધુ છે. પુલવામામાં જ 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા.


ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે જ શ્રીનગર-જમ્મુ હાઈવે પર એક કારમાં વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. બનિહાલ પાસે જ્યારે સીઆરપીએફનો કાફલો હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક એક કારમાં ધમાકો થયો હતો. કાફલામાં સામેલ એક બસને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં કારમાં સિલિન્ડર ફાટવાના કારણે ધમાકો થયો હોવાનું સામે આવ્યું છે.