કેન્દ્રિય કાયદા મંત્રી કિરન રિજિજૂનો આબાદ બચાવ થયો હતો. એક રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં કિરન રિજિજૂની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને કિરન રિજિજૂ સંપૂર્ણપણે સ્વસ્થ છે.






જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટ્રકે કેન્દ્રિય મંત્રી કિરન રિજિજૂની કારને ટક્કર મારી હતી. વાસ્તવમાં રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર જ્યારે કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જે બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાકર્મીઓએ કેન્દ્રીય મંત્રીને કારમાંથી બહાર કાઢ્યા અને અન્ય વાહનમાં બેસાડ્યા હતા.






 


ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેન્દ્રીય મંત્રીની કાર અને ટ્રક વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ઘટના બાદ સુરક્ષાકર્મીઓ કિરન રિજિજૂની કાર પાસે દોડતા જોવા મળે છે. ત્યારબાદ તે કેન્દ્રીય મંત્રીને કારમાંથી બહાર કાઢીને અન્ય વાહન તરફ લઈ જતા જોવા મળે છે.


રામબન પોલીસે જણાવ્યું હતું કે આજે કેન્દ્રિય મંત્રી રોડ માર્ગે જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.


શનિવારે (8 એપ્રિલ) જ કાયદા પ્રધાન રિજિજુએ ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે તેઓ 'કાનૂની સેવા કેમ્પ'માં સામેલ થવા માટે જમ્મુથી જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જઈ રહ્યા છે. ન્યાયાધીશો અને NALSA ટીમ સાથે કેન્દ્ર સરકારની યોજનાઓના ઘણા લાભાર્થીઓ આ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું હતું કે હવે વ્યક્તિ આખી યાત્રા દરમિયાન સુંદર રસ્તાનો આનંદ માણી શકશે.