Jammu Road Accident News:  જમ્મુ-કાશ્મીરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. ગુરુવારે જમ્મુ જિલ્લામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ રસ્તા પરથી 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે.


અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત ચોકી ચોરાના તંગલી વળાંક પર થયો હતો. અધિકારીએ જણાવ્યું કે બસ લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં  ખાબકી હતી. મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી.


કદાચ ડ્રાઈવર ઊંઘી ગયો હતો - ટ્રાન્સપોર્ટ કમિશનર
રાજિન્દર સિંહ તારાએ કહ્યું, "બસ શિવ ખોરી તરફ જઈ રહી હતી. અહીંનો વળાંક એકદમ સામાન્ય છે. અહીં કોઈ સમસ્યા ન હોવી જોઈતી હતી પરંતુ કદાચ ડ્રાઈવર ઊંઘી ગયો હતો. વળાંક લેવાને બદલે બસ સીધી ગઈ અને પછી નીચે પડી ગઈ." "


આર્મીની ક્વિક રિએક્શન મેડિકલ ટીમ તૈનાત


બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માત અખનૂર શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર થયો હતો, જ્યારે બસ અચાનક રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી હતી. ભારતીય સેનાએ ક્વિક રિએક્શન મેડિકલ ટીમ તૈનાત કરી છે. તેઓ બચાવ કાર્યમાં પ્રશાસનને મદદ કરી રહ્યા છે. ઈજાગ્રસ્તોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.


રાષ્ટ્રપતિએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર કહ્યું, "જમ્મુના અખનૂર પાસે બસ દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."


લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું- આ એક હૃદયદ્રાવક ઘટના છે


લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયે કહ્યું, "જમ્મુના અખનૂરમાં થયેલ બસ દુર્ઘટના હૃદયદ્રાવક છે. હું આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ આ ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટને સહન કરવાની શક્તિ આપે." 


પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “અખનૂરથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે, જ્યાં એક દુ:ખદ બસ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. તેમના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરુ છું.