ચંદીગઢ: હરિયાણમાં આરક્ષણની માંગ લઈને ફરીથી જાટ આંદોલન શરૂ થઈ ગયું છે. આજથી આંદોલનકારીઓએ 15 ગામોમાં ધારણા અને પ્રદર્શન કરવા માટે તૈયાર થયા છે. ત્યારે બીજી બાજુ સરકારે અગાઉ થયેલી હિંસાને પગલે આંદોલનમાં હિંસા અસરગ્રસ્ત જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 8 જિલ્લામાં અર્ધલશ્કરી દળની 55 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. આંદોલનને જોતા શનિવારની રાતથી સોનીપતમાં ઈન્ટરનેટ સેવા અને SMS પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જે જિલ્લામાં ધારા 144 લગાવવામાં આવી છે તેમાં હિસ્સારના મય્યડ, કૈથલમાં તિતરમ મોડ, ભિવાનીમાં ધમાના, દાદરીમાં અટેલા, રોહતકમાં જસિયા, ફતેહાબાદમાં ઢાણી ગોપાલ, સિરસામાં નાથૂસરી ચૌપટા, જીંદમાં જહાજપુર, કરનાલમાં બલ્લા, કુરુક્ષેત્રમાં જૈનપુર, પાનીપતમાં મતલૌડા, રેવાડીમાં પ્રાણપુર, અંબામાં કુસૈનીમોડ, અને સોનિપતમાં ગોહનાનો સમાવેશ થાય છે.

જો કે રાહતની વાત એ છે કે સરકાર સાથે વાતચીત પછી યશપાલ મલિકની આગેવાનીમાં જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિ શહેરની જગ્યાએ ગામોમાં ધરણાં પણ બેસવાનું વિચાર્યું છે. તેની સાથે રેલ અને જાહેર રસ્તા ઉપર આંદોલન નહીં કરવાનું વચન આપ્યું છે. 15 જિલ્લાના ગામોમાં 15 દિવસ સુધી ધરણા કરશે, આ સમયગાળા દરમિયાન જો સરકાર જાટ આંદોલનકારીઓના અભિગમ ઉપર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો આગળ મોટું આંદોલન કરવાની ચેતવણી આપી છે. ત્યારે આંદોલનકારીઓને સુબેના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.