UP Politics: સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. સમાજવાદી પાર્ટીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, જયંત ચૌધરી સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ તરફથી રાજ્યસભાના સંયુક્ત ઉમેદવાર હશે.






 આ કરી ચૂક્યા છે ઉમેદવારી 


આ પહેલા કપિલ સિબ્બલ અને જાવેદ અલી ખાને બુધવારે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. 59 વર્ષીય ખાન 2014 થી 2020 સુધી એસપીના રાજ્યસભાના સભ્ય હતા, તેમણે પક્ષના વરિષ્ઠ નેતાઓ રામ ગોપાલ યાદવ, અંબિકા ચૌધરી અને અન્ય લોકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે બુધવારે સપા દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.






કપિલ સિબ્બલના નોમિનેશન વખતે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા. જોકે કપિલ સિબ્બલ અગાઉ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ હતા. તેમણે આ મહિનાની 16 તારીખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. નામાંકન બાદ તેમણે મીડિયાને આ માહિતી આપી હતી.


403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપ પાસે 255 અને તેના સાથી પક્ષો સહિત કુલ 273 ધારાસભ્યો છે. બીજી તરફ, સપા અને તેના સાથી પક્ષોના સભ્યોની કુલ સંખ્યા 125 છે અને તેમના ત્રણ ઉમેદવારો જીતી શકે છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 11 સીટો પર ચૂંટણી થવાની છે. એવું માનવામાં આવે છે કે ભાજપ ગઠબંધનની સાત બેઠકો અને સપા ગઠબંધનની ત્રણ બેઠકો પર જીત નિશ્ચિત છે. પરંતુ રાજ્યમાં 11મી બેઠક માટે બંને વચ્ચે જોરદાર જંગ જામશે.