NIAની વિશેષ અદાલતે આતંકવાદી ફંડિંગમાં દોષિત ઠરેલા અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા આપી હતી. યાસીન મલિકને સજા બાદ પાકિસ્તાન રોષે ભરાયુ છે. પાકિસ્તાને ખુલ્લેઆમ યાસિન મલિકનું સમર્થન કર્યું હતું. યાસીન મલિકને સજા અપાયા બાદ કાશ્મીરમાં તૈનાત તમામ  સશસ્ત્ર દળોના જવાનોની રજા આગામી આદેશ સુધી રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.


યાસીનને બુધવારે કડક સુરક્ષા વચ્ચે તિહાર જેલમાંથી દિલ્હીની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. યાસીન મલિકે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. તે પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)નો ચીફ છે.


યાસીન મલિકને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને કારણે પાડોશી દેશ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આ નિર્ણય માટે ભારતની ટીકા કરી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ યાસીન મલિકને દોષિત ઠેરવવા બદલ ભારતની ટીકા કરી છે.


શાહબાઝ શરીફ સમર્થનમાં આવ્યા


શાહબાઝ શરીફે પોતાના ટ્વિટમાં કહ્યું કે, "ભારત યાસીન મલિકને શારીરિક રીતે કેદ કરી શકે છે પરંતુ તેઓ આઝાદીના વિચારને ક્યારેય કેદ કરી શકે નહીં જેનું તે (યાસિન) પ્રતીક છે. બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીને આજીવન કારાવાસની સજા કાશ્મીરીઓના સ્વ-નિર્ણયના અધિકારને નવી પ્રેરણા આપશે.






10 લાખનો દંડ પણ ફટકાર્યો હતો


દિલ્હીની NIA કોર્ટે યાસીન મલિક પર 10 લાખનો દંડ પણ ફટકાર્યો છે. NIAની માંગ હતી કે યાસીન મલિકને ફાંસીની સજા આપવામાં આવે.


યાસીનને 19 મેના રોજ દોષિત ઠેરવવામાં આવ્યો


યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મલિક સામે ગુનાહિત કાવતરું, શાંતિ ભંગ સહિતની અનેક કલમો હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા. મલિકે કોર્ટ સમક્ષ આરોપો પણ કબૂલ કર્યા હતા, ત્યારબાદ મલિકને 19 મેના રોજ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે આજે દિલ્હીમાં NIAની વિશેષ અદાલતે યાસિન મલીકને આજીવન કારાવાસની સજા આપી છે.


દિલ્હીમાં પણ હાઈ એલર્ટ


યાસીન મલિકની સજા બાદ દિલ્હી પણ હાઈ એલર્ટ પર છે. તેને તિહાર જેલની બેરેક 7માં રાખવામાં આવ્યો છે. સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.