નવી દિલ્હીઃ કર્ણાટકમા એકવાર ફરી કોગ્રેસ-જેડીએસ ગઠબંધન પર ઓપરેશન લોટસનો ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના નિવેદન પરથી લાગી રહ્યું છે કે કેટલાક સમયની શાંતિ બાદ કર્ણાટકમાં સરકાર પાડવા માટે ઓપરેશન લોટસનો ડર ગઠબંધન સરકારને ફરી સતાવી રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપે તેમના એક ધારાસભ્યને બોલાવ્યા હતા અને પાર્ટીમાં સામેલ થવા માટે 10 કરોડ રૂપિયાની ઓફર આપી હતી.


મુખ્યમંત્રી કુમારસ્વામીએ મંગળવારે ભાજપ પર તેમની પાર્ટીના એક ધારાસભ્યને લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. રામનગરમાં એક ગામમાં જનસભાને સંબોધિત કરતા કુમારસ્વામીએ કહ્યું કે સરકાર પાડવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે અને કોઇ આની પાછળ છે એ સૌ કોઇ જાણે છે. કુમારસ્વામીએ પોતાના દાવાના સમર્થનમાં કહ્યુ કે, તેઓ જ્યારે રામનગરથી બિદાદી જઇ રહ્યા હતા ત્યારે તેમના એક ધારાસભ્યએ તેમની સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, ધારાસભ્યે તેમને કહ્યું કે, ભાજપના એક નેતાએ તેમને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે, કાલે સાંજ સુધીમાં તેમની  સરકાર પડવાની છે. કોગ્રેસ અને જેડીએસના નવ ધારાસભ્યો સહી કરી ચૂક્યા છે. જો તમે સહમત થાવ તો તમારા ઘરે 10 કરોડ રૂપિયા પહોંચાડી દેવામાં આવશે.

કુમારસ્વામીએ કહ્યું કે, ભાજપે સરકાર પાડવા માટે ભંડોળ એકઠું કરી રાખ્યું છે. કુમારસ્વામીએ એ જેડીએસ ધારાસભ્ય કે ભાજપના નેતાનું નામ બતાવ્યું નહોતું. જોકે, ભાજપના પ્રવક્તા મધુસુદને કહ્યું કે, મુખ્યમંત્રી પાયાવિહોણા આરોપ  લગાવી રહ્યા છે.