Nitish Kumar News: બિહારની રાજનીતિમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. રાજકીય ગલિયારાઓમાં ફરી એકવાર મોટી ઉથલ પાથલની આશંકાએ જોર પકડ્યું છે. બિહારના મહાગઠબંધન વચ્ચે આરજેડી અને જેડીયુ વચ્ચે સુધાકર સિંહ અને ચંદ્રશેખરના વિવાદાસ્પદ નિવેદનોને લઈને જે પ્રકારે વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે, તેને લઈને પણ સતત સવાલો ઉઠી રહ્યા છે કે શું નીતીશ કુમાર ફરી એક વાર પલટી મારી શકે છે? શું તેઓ ભાજપના સંપર્કમાં છે?


બિહારના રાજકીય ગલિયારાઓમાં આ ચર્ચાઓ વચ્ચે નીતીશ કુમારના નજીકના અને જનતા દળ યુનાઈટેડ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના એક જ નિવેદને આ અટકળોને વધુ હવા આપી છે. કુશવાહાના આ નિવેદનને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું નીતીશ ખરેખર ભાજપના સંપર્કમાં છે? આખરે ઉપેન્દ્ર કુશવાહાના નિવેદનનો અર્થ શું છે?


તાજેતરમાં ઉપેન્દ્ર કુશવાહાની ભાજપના નેતાઓ સાથે નિકટતા અને ભાજપમાં જોડાવાની અટકળોએ ભારે જોર પકડ્યું છે. તેમાં પણ ગત ગુરુવારે ઉપેન્દ્ર કુશવાહાની ભાજપના નેતાઓ સાથેની નિકટતા અને ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની ગઈ હતી. ગયા ગુરુવારે ધારાસભ્યો સંજય ટાઈગર અને પ્રેમ રંજન પટેલ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.


ભાજપના નેતાઓ સાથે ઉપેન્દ્ર કુશવાહાની મીટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કુશવાહાના ભાવિ રાજકારણને લઈને ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. એવી અટકળો શરૂ થઈ હતી કે નીતીશ કુમારને છોડીને ઉપેન્દ્ર કુશવાહા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. આ ચર્ચાઓ વચ્ચે ઉપેન્દ્ર કુશવાહા રવિવારે સાંજે દિલ્હીથી પટના પહોંચ્યા હતા અને જ્યારે તેમને ભાજપના નેતાઓ સાથેની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ભાજપ નેતાઓ સાથે મારી એક તસવીર શું સામે આવી ગઈ કે વાતનું વરેસર બનાવી દેવામાં આવ્યું. તેનો શું મતલબ? કોઈની પણ સાથે અંગત સંબંધ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં કોઈને મળવા આવે તો તેનો રાજકીય અર્થ કાઢવાનો શું મતલબ?


ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, ભાજપના કોઈપણ નેતા સાથે બેઠક કરવાનો અર્થ એ કાઢવામાં આવે કે અમે ભાજપના સંપર્કમાં છીએ તે વાત ખોટી છે. સંપર્કની વાત એ અર્થમાં કરવામાં આવી રહી છે કે અમારી પાર્ટીના જેટલા પણ વરિષ્ઠ નેતા છે તેટલા જ તે ભાજપના નેતાઓના સંપર્કમાં છે.


ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે, અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ બે-ત્રણ વખત બીજેપીના સંપર્કમાં આવી અને પછી સંપર્ક વિહોણી પણ થઈ ગઈ. પાર્ટી પોતાની રણનીતિ પ્રમાણે જે જરૂરી હોય તે કરે છે. તેમણે કહ્યું હતું કે, શું મારી સાથે આવી ચર્ચા કરવાનો કોઈ અર્થ છે? ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, હું જેડીયુમાં રહીશ કે નહીં તે મારા સિવાય કોણ નક્કી કરી શકે?


જોકે ઉપેન્દ્ર કુશવાહાએ સ્વીકાર્યું હતું કે, જનતા દળ યુનાઈટેડ નબળું પડી રહ્યું છે અને તેઓ તેને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુશવાહાએ કહ્યું હતું કે, જનતા દળ યુનાઈટેડને તાત્કાલિક સારવારની જરૂર છે.