Controversy On Ramcharitmanas : કર્ણાટકના લેખક અને 'બુદ્ધિજીવી' કેએસ ભગવાને રામને લઈને વધુ એક વિવાદ સર્જ્યો હતો. તેમણે ભગવાન રામ અને સીતા વિશે ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી જેને લઈને વિવાદ હજી સમ્યો પણ નથી ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અને એમએલસી સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસને લઈને વાંધાજનક નિવેદન આપ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસના દોહા અને છંદને લઈને વાંધો ઉઠાવ્યો છે. આ મામલે ભાજપના દિગ્ગજ નેતા ગિગિરાજ સિંહે આકરી પ્રતિક્રિયા આપી હતી. 


સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, ધર્મની આડમાં દલિતો, પછાત લોકો અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે માંગણી કરી છે કે, આ ચોપાઈઓને રામચિરત્માનસમાંથી દૂર કરવામાં આવે.


ભાજપ જોઈ રહી છે મુંગેરીલાલના હસીન સપના


સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, અમે રામચિરત માનસને ધાર્મિક પુસ્તક માનતા નથી. તેમાં જાતિ અને ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. સ્વામી પ્રસાદ આટલેથી પણ અટક્યા નહોતા અને ભાજપ પર વધુ પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે. બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં 80 સીટો જીતવાના બીજેપીના લક્ષ્‍યાંક અંગે તેમણે કહ્યું હતું કે, તે મુંગેરીલાલનું સપના જોઈ રહી છે.


ગિરિરાજ સિંહે લીધો ઉધડો


સ્વામી પ્રસાદ મૌર્યાના આ મામલે આકરી ઝાટકણી કાઢી હતી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રામચરિતમાનસ પર ભગવાન રામ અને બિહારના મંત્રી ચંદ્રશેખરના નિવેદન પર પલટવાર કર્યો હતો. ગિરિરાજ સિંહે પટનામાં કહ્યું હતું કે, જેમ ભગવદ્ ગીતા હિંદુઓનો પવિત્ર ગ્રંથ છે, તે જ રીતે કુરાન મુસ્લિમોનો પવિત્ર ગ્રંથ છે. કુરાન વિશે કોઈ કંઈ બોલતું નથી કારણ કે તેમ કરવાથી માથું ધડથી અલગ કરી દેવામાં આવે છે. હિંદુઓના પવિત્ર ગ્રંથની વિરુદ્ધ બોલવું આજના સમયમાં ફેશન બની ગયું છે.


બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરે તાજેતરમાં કહ્યું હતું કે, "તુલસીદાસના રામચરિતમાનસે "સામાજિક ભેદભાવ અને સમાજમાં નફરત ફેલાવવા" ને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, રામચરિતમાનસનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે તેમાં કહેવામાં આવ્યું હતું કે સમાજનો નિમ્ન વર્ગ જ્યારે શિક્ષિત થાય છે ત્યારે તે ઝેરી બની જાય છે. એમ.એસ. ગોલવલકર દ્વારા લખાયેલા રામચરિતમાનસ, મનુસ્મૃતિ અને બંચ ઓફ થોટ્સ જેવા પુસ્તકોએ સામાજિક વિભાજન સર્જ્યું હતું.


ગુલામ રસૂલના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો


આ પહેલા ગિરિરાજ સિંહે પણ JDU MLC ગુલામ રસૂલ બલ્યાવીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. ગુલામ રસૂલે કહ્યું હતું કે, જો પયગંબર મોહમ્મદ તરફ કોઈ આંગળી ઉઠાવશે તો મુસ્લિમ દરેક શહેરને કરબલામાં ફેરવી નાખશે. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમો અચકાશે નહીં કારણ કે તેમનું જીવન અને શ્વાસ તેમના માટે નથી પરંતુ પયગંબર માટે છે.


નીતિશ કુમાર પર નિશાન સાધ્યું


ગિરિરાજ સિંહે JDU નેતા પર આવા નિવેદનો કરીને દેશની સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટુકડે ટુકડે ગેંગના નેતાઓ રામાયણનો દુરુપયોગ કરીને હિન્દુઓનું અપમાન કરે છે, પરંતુ કુરાન પર ટિપ્પણી કરવાની હિંમત નથી. નીતિશ કુમાર એક લાચાર મુખ્યમંત્રી છે, જે ધૃતરાષ્ટ્રની જેમ આ બધું જોઈ રહ્યા છે.