નવી દિલ્હી: કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે નીટ (NEET)અને જેઈઈ (JEE)પરીક્ષાઓ બે વખત સ્થગિત કરવામાં આવી હતી. હવે જેઈઈની મેઈન્સ પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બર વચ્ચે અને નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે વિદ્યાર્થીઓની સાથે તેમના માતા-પિતા પણ પરીક્ષા સ્થગિત કરવાની માંગણી કરી રહ્યા છે.


પહેલા આ પરીક્ષાઓ મે મહિનામાં યોજાનાર હતી, ત્યારબાદ તેને જુલાઇમાં લેવાનો નિર્ણય કરાયો. અંતે NEET, JEEની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

શુક્રવારે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને સંકેત આપ્યો હતો કે નીટ અને જેઈઈ મેનની સપ્ટેમ્બરમાં યોજાનારી પરીક્ષા ત્રીજી વખત ટાળવામાં આવી શકે છે. આ માટે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવાની વાત પણ કરી હતી. જોકે હવે સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પરીક્ષા નિર્ધારિત સમયે જ કરાવવામાં આવશે.