Jharkhand Assembly Trust Vote: ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિશ્વાસ મત જીત્યો છે. સરકારના સમર્થનમાં 47 વોટ પડ્યા હતા. જ્યારે વિરોધમાં 29 મત પડ્યા હતા. આ સાથે વિધાનસભાની કાર્યવાહી 6 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.






ઝારખંડ વિધાનસભામાં 81 બેઠકો છે સરકાર બનાવવા માટે કોઇ એક પક્ષને 41 ધારાસભ્યોની જરૂર હતી. ચંપઇ સોરેને બે ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી અને બહુમત સાબિત કરવા માટે પાંચ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી. તેમણે આજે વિશ્વાસ મત રજૂ કર્યો અને ત્યારબાદ તેના પર ચર્ચા શરૂ થઇ હતી. ચર્ચાની શરૂઆતમાં ચંપઇ સોરેને ભાજપ પર નિશાન સાધ્યું હતું.


તેમણે કહ્યું હતું કે ભાજપે સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. આમાં અમે તેમને નિષ્ફળ કર્યા. સોરેને કહ્યું, "ભાજપ હેમંત સોરેનને ખોટા કેસોમાં ફસાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે."ચંપઈ સોરેને કહ્યું કે હેમંત સોરેનને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, અમે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન બનાવેલી યોજનાઓને આગળ ધપાવીશું.


વિધાનસભાને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું હતું કે , 'આ ઝારખંડ છે, આ દેશનું રાજ્ય છે જ્યાં દરેક ખૂણે આદિવાસી-દલિત વર્ગના અસંખ્ય સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. ED-CBI-IT જે દેશની ખાસ અને અત્યંત સંવેદનશીલ સિસ્ટમ કહેવાય છે. જ્યાં કરોડો રૂપિયા લઇને તેમના સહયોગીઓ વિદેશમાં જઇને બેઠા છે, તેમને હાથ અડાવવાની તાકાત તેમની નથી. દેશના આદિવાસીઓ, દલિતો, પછાત વર્ગો અને નિર્દોષો પર અત્યાચાર કરવાની તેમની તાકાત છે. તેમનામાં હિંમત હોય તો તેઓ ગૃહમાં કાગળ બતાવે કે આ 8.5 એકર જમીન હેમંત સોરેનના નામે છે, જો એમ થશે તો હું તે દિવસથી રાજનીતિમાંથી નિવૃતિ જાહેર કરી દઇશ.


હેમંત સોરેને કહ્યું, 'મને એ વાતનો કોઈ અફસોસ નથી કે મને આજે ED દ્વારા પકડવામાં આવ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચાની શરૂઆત ઝારખંડના સન્માન, અને સ્વાભિમાનને બચાવવા માટે કરવામાં આવી હતી અને જો કોઈ ખરાબ નજર નાખશે તેને અમે યોગ્ય જવાબ આપીશું.