નવી દિલ્હી: કૉંગ્રેસ મહાસચિવ અને યૂપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ટ્વિટર પર ઉત્તરપ્રદેશની સાથે દેશ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર પોતાના વિચાર રાખે છે પરંતુ પોતાને ઉત્તરપ્રદેશના રાજકારણ બહાર નથી નિકળવા દેવા માંગતા. પાર્ટીમાં સક્રિયતા છતાં પ્રથમ વખત છે કે પ્રિયંકાએ પોતાને સ્ટાર પ્રચારકોની યાદીથી અલગ રાખવાનું કહ્યું છે.

મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકાનું નામ સામેલ હતું પરંતુ તેમણે બંને રાજ્યોમાં એક પણ ચૂંટણી સભાને સંબોધિત નથી કરી.

સૂત્રોની જાણકારી મુજબ પ્રિયંકાએ વરિષ્ઠ નેતાઓને ઉત્તરપ્રદેશના સંગઠનની મજબૂતીના કામમાં વ્યસ્ત હોવાની વાત કરી છે. બાદમાં ઝારખંડ ચૂંટણીમાં પ્રિયંકાનું નામ સામેલ નથી કરવામાં આવ્યું. ઝારખંડના પ્રભારી આરપીએન સિંહનું માનવું છે કે રાજ્યમાં ઘણા તબક્કામાં ચૂંટણી છે એવામાં પ્રિયંકા ગાંધીનું નામ પછીથી જોડાઈ શકે છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં 30 નવેમ્બરે શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરના, ત્રીજા, ચોથા અને પાંચમાં તબક્કાનું મતદાન ક્રમશ: 12,16 અને 19 ડિસેમ્બરના થશે. મતગણતરી 23 ડિસેમ્બરના થશે.