નવી દિલ્હીઃ અનેક પ્રકારના સવાલો અને આશંકાઓ વચ્ચે સરકાર હવે ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાંથી મંજૂરી આપીને આ માટે નવો કાયદો લાવવા માટે તૈયાર છે. તમામ પક્ષો તરફથી મળેલા સૂચનોમાં કેટલાકને સામેલ કરતા બિલના ડ્રાફ્ટને આગામી કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી શકે છે ત્યારબાદ સંસદમાં રજૂ કરવામાં આવશે.
સંસદમાં શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. આ બિલને સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ તમામ સોશિયલ મીડિયા કંપનીઓને ભારત સાથે જોડાયેલા યુઝર્સનો ડેટા ભારતમાં જ રાખવો પડશે. સરકારનો તર્ક છે કે આ કંપનીઓ દેશની અંદર કાયદાકીય પ્રક્રિયાથી એટલા માટે બચી જાણ છે કારણ કે તેમનું લાયસન્સ દેશની અંદરથી લેવામાં આવ્યું નથી.
સરકારના કહેવા અનુસાર, બિલમાં ડેટા પ્રોટેક્શન સંબંધિત તમામ દેશો સાથે જોડાયેલા કાયદાની સમીક્ષા કરીને એક નવો કાયદો બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને યુરોપના ડેટા પ્રોટેક્શન કાયદામાંથી અનેક ઇનપુટ લેવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ફોકસ ડેટાને શેર કરવામાં લોકોની સહમતિ લેવા પર છે. આ માટે અનેક જોગવાઇઓ કરવામાં આવી છે.