ઝારખંડ: હેમંત સોરેન કાલે કરશે મંત્રીમંડળનું વિસ્તરણ, 8 નવા મંત્રી લેશે શપથ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jan 2020 06:57 PM (IST)
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કાલે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના ત્રણ સદસ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે.
રાંચી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કાલે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના ત્રણ સદસ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. મંત્રીમંડળ વિસ્તરણમાં આઠ નવા મંત્રીઓને રાજભવનમાં બપોરે એક વાગ્યે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં શપથ લેવડાવવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે સવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી પોતાના મંત્રીમંડળ વિસ્તારણ માટે સમય માંગ્યો હતો. સૂત્રોની જાણકારી અનુસાર રાજ્યપાલે કાલે બપોરે એક વાગ્યાનો સમય ફાળવ્યો છે. શપથ ગ્રહણ કાર્યક્રમ રાજભવનમાં બિરસા મંડળમાં આયોજિત થશે. તેમણે જણાવ્યું કે શુક્રવારે કુલ 8 નવા મંત્રીઓ શપથ લેશે જેને મળી રાજ્ય મંત્રીમંડળના હેમંત સોરેનને મળીને કુલ બાર મંત્રીઓ થઈ જશે જે સંવિધાન અનુસાર ઝારખંડમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા છે કારણ કે અહીં કુલ 82 વિધાનસભાની બેઠકો છે. આ પહેલા ઝારખંડ વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી અને તેમની સાથે કૉંગ્રેસના બે અને રાજદના એક ધારાસભ્યએ મોરાબાદી મેદાનમાં 29 ડિસેમ્બરે આયોજિત ભવ્ય સમારોહમાં શપથગ્રહણ કર્યા હતા. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, શરદ યાદવ, ડીએમકે નેતા સ્ટાલિન અને સીપીઆઈના નેતા ડી રાજા સામેલ થયા હતા.