નવી દિલ્હીઃ નિર્ભયા રેપ કાંડના દોષિતો વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરનારા જજ સતીશ કુમાર અરોરાનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એડિશનલ સેશન્સ જજના પદ પર તૈનાત જજ સતીશ અરોરાને હવે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં તેમને એડિશનલ રજિસ્ટ્રાર તરીકે એક વર્ષ માટે ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે.
વર્ષ 2012માં દિલ્હીમાં થયેલા ગેંગરેપના ચારેય દોષિતો વિરુદ્ધ છેલ્લા દિવસોમાં ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આ કેસ અનેક વર્ષોથી કોર્ટમાં ફસાયો હતો પરંતુ હવે એક ફેબ્રુઆરી 2020ના રોજ સવારે સાત વાગ્યે દોષિતોને ફાંસી આપવામાં આવશે.
નોંધનીય છે કે નિર્ભયા કેસના દોષિતો મુકેશ, પવન, વિનય અને અક્ષયને અગાઉથી જ ફાંસીની સજાની જાહેરાત થઇ હતી. છેલ્લા એક મહિનામાં ચારેય વિરુદ્ધ બે વખત ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે અગાઉ 22 જાન્યુઆરી 2020ના રોજ ફાંસી આપવાની હતી પરંતુ દોષિત વિનયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હોવાના કારણે ફાંસી ટળી ગઇ હતી અને હવે તમામ દોષિતોને એક ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવશે.