રાંચી: આરજેડી સુપ્રીમો લાલુ યાદવને શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે લાલુ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. એવામાં હવે લાલુ યાદવે જેલમાં જ રહેવું પડશે. ઘાસ ચારા કૌભાડના દુમકા ટ્રેઝરી કેસમાં કરવામાં આવેલી જામીન અરજી પર શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આરજેડી સુપ્રીમો લાલુ યાદવને હાલ જામીન આપવામાં નહીં આવે.

કોર્ટે કહ્યું કે, હજુ અડધી સજાની અવધિ પૂરી કરવામાં બે મહિના બાકી છે. જેના કારણે તેમની જામીન અરજી રદ કરવામાં આવે છે. લાલુ યાદવના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું કે, બે મહિના બાદ ફરી જામીન અરજી કરવામાં આવશે.



નોંધનીય છે કે, આ વખતે લાલુ યાદવને જામીન મળવાની સંભાવનાઓ વધારે હતી, કારણ કે લાલુ યાદવને સીબીઆઈ કોર્ટ દ્વારા દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં સાત વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં લાલુ યાદવ સાડા ત્રણ વર્ષ જેલની સજા ભોગવી ચુક્યા છે. જેના આધારે લાલુના વકીલે જામીન અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેમના વકીલની વાતને ખોટી ગણાવી અને જામીન અરજી ફગાવી દીધી હતી.