Jharkhand News: દેશભરમાં લોકસભા ચૂંટણી પુરી થઇ ગઇ અને નવી સરકાર પણ બની ગઇ છે. હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડમાંથી સામે આવ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સરકારે મોટી જાહેરાત કરી છે, સીએમ ચંપઇ સોરેને રવિવારે કહ્યું કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લૉન માફ કરવા અને મફત વીજળીનો ક્વૉટા વધારીને 200 યૂનિટ કરવા પર વિચાર કરી રહી છે. જમશેદપુરના ગાંધી મેદાનમાં વિકાસ યોજનાઓના ઉદઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત સભાને સંબોધતા સોરેને કહ્યું, “અમે પહેલાથી જ ખેડૂતોની 40 હજાર રૂપિયાની લૉન માફ કરી દીધી છે. હવે અમે તેને વધારીને 2 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છીએ.


તેવી જ રીતે, મફત વીજળીના 125 યૂનિટનો વર્તમાન આધાર વધારીને 200 યૂનિટ કરવામાં આવશે. ચંપઇ સોરેને ટકાઉ આજીવિકા માટે વ્યવસાય શરૂ કરવા માટે બેરોજગાર યુવાનોને 40 ટકા સબસિડી સાથે 25 લાખ રૂપિયાની લોન આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.


5 હજાર પ્રાઇમરી સ્કૂલો બંધ 
તેમણે બધાને ખાતરી આપી છે કે 40 હજાર સહાયક શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે અને આવતા મહિને આદિજાતિ અને પ્રાદેશિક ભાષાના શિક્ષકોની ભરતી શરૂ થશે. તેમણે વર્તમાન ગઠબંધન સરકારની નીતિઓની તુલના અગાઉની ભાજપ સરકારની નીતિઓ સાથે કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે 5,000 પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે ગઠબંધન સરકાર રાજ્યભરમાં મોડલ સ્કૂલો શરૂ કરવા પર ભાર આપી રહી છે.


182 વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન 
"ભાજપ અને ગઠબંધન સરકાર વચ્ચે આ તફાવત છે," તેમણે દાવો કર્યો કે લોકપ્રિય રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના ભાજપના પ્રયાસોની નિંદા કરી, અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન સામેના આરોપો અને કાનૂની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 152.76 કરોડ રૂપિયાની 182 વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું.


બે દિવસ પહેલા, ઝારખંડના સીએમ ચંપાઈ સોરેને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં આદેશ આપ્યો હતો કે કર્મચારીઓની ભરતી પરીક્ષાને ઝડપી બનાવવાની જરૂર છે. આ માટે તેમણે નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા સૂચના પણ આપી હતી.