રાંચીઃ હાલ દેશભરમાં કોરોના સામે જંગ લડાઇ રહી છે, ત્યારે ઝારખંડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડમાં પોલીસે ત્રણ નક્સલીઓને ઠાર માર્યા છે, પોલીસની નક્સલીઓ સાથે આ અથડામણ ચાઇબાસા જિલ્લામાં થઇ હતી.

સુત્રો અનુસાર, ચાઇબાસા જિલ્લામાં આજે બે નક્સલી ઘટનાઓ ઘટી, જેમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે જબરદસ્ત અથડામણ થઇ હતી, આ અથડામણમાં પોલીસે ત્રણ મહિલા નક્સલીઓને ઠાર મારી હતી.

કહેવાઇ રહ્યું છે કે, પહેલી ઘટના ગુદડી વિસ્તારના ટોમડેલ પંચાયતના ચિરિંગ ગામના રેયડદા ટોલા જંગલમાં શનિવારે સવારે ઘટી હતી. અહીં સીઆરપીએફે નક્સલીઓ સામે ઓપરેશન શરૂ કર્યુ હતુ.



જ્યારે બીજી ઘટના ચાઇબાસા જિલ્લામાં સોનુવા વિસ્તારમાં જોડાપોખર ગામમાં ઘટી હતી. અહીં નક્સલીઓએ વિસ્ફોટ કરીને એક ઘર ઉડાવી દીધુ હતુ. આ ઘટનાઓ બાદ પોલીસે વળતો હુમલો કરીને ત્રણ મહિલા નક્સલીઓને ઠાર મારી દીધી હતી.