શ્રીનગર: જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની લાગણી હવે હિઝબુલ કમાન્ડર બુરહાન વાની માટે જાગી છે. 8મી જુલાઈના રોજ થયેલા એન્કાઉન્ટરની વાત કરતા મહેબૂબાએ કહ્યું છે કે, સેનાને માત્ર એટલી જ માહિતી હતી કે, એક ઘરમાં ત્રણ આતંકવાદીઓ છુપાયેલા છે. જો સેનાને ખબર હોત કે એ ત્રણમાંથી એક હિઝબુલનો કમાન્ડર બુરહાન વાની છે, તો સેના બુરહાનને પોતાનો જીવ બચાવવા માટે એક તક આપી શકી હોત.
કાશ્મીરની ઘાટીમાં સતત વણસતી પરિસ્થિતીના કારણે જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના શાસન અને નીતિઓ પર પણ સવાલ ઊઠતા રહ્યા છે. એ જ કારણ છે કે કાશ્મીરના લોકોના દિલમાં પોતાની સાખ બચાવવા માટે મહેબૂબાએ આતંકી બુરહાન વાની પ્રત્યે પોતાની કૂણી લાગણી જાહેર કરી છે.


ઉલ્લેખનીય છે કે, 8મી જુલાઈના રોજ હિઝબુલ કમાન્ડર આતંકી બુરહાન વાનીને સેન્ય કાર્યવાહીમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બુરહાન કાશ્મીરમાં હિરો અને પોસ્ટર બોય બની ગયો છે. આખા કાશ્મીરમાં બુરહાનની હત્યાના વિરોધમાં હિંસા ભડકી ઊઠી છે. ઘણા લોકોની જાન આ હિંસામાં ગઈ છે અને મહેબૂબા પરિસ્થિતી કાબૂમાં ન કરી શક્યા, જેના કારણે તેમની ઘણી ટિકા થઈ રહી છે અને પોતાની ઘટતી લોકપ્રિયતા અને સાખને બચાવવા માટે મહેબૂબા મુફ્તીને પણ મગરના આંસુ આવવા માંડ્યા અને તે બુરહાન વાની તરફી નિવેદનો કરી રહ્યા છે. બુરહાનના એન્કાઉન્ટર બાદ આખા જમ્મુ-કાશ્મીરમાં ઠેર-ઠેર જે રીતે તેના પ્રત્યે લોકોની લાગણી સામે આવી છે. તે જોઈને મહેબૂબા પણ રાજકીય રમત રમવા માટે મેદાનમાં ઉતરી ગયા છે.