નવી દિલ્લી: જમ્મુ-કાશ્મીરના નવા નાયબ મુખ્યમંત્રી કવિંદર ગુપ્તાએ શપથગ્રહણ સમારંભની થોડીક જ મિનિટોમાં કઠુઆ ગેંગરેપ વિશે એક વિવાદિત નિવેદન આપ્યું છે. કવિંદરે કહ્યું કે, કઠુઆમાં આઠ વર્ષની છોકરી સાથે રેપ અને તેમની હત્યા નાનકડી ઘટના છે. તેને વાંરવાર ન ઉછાળવી જોઈએ. આ નિવેદનની વિપક્ષી દળોએ આલોચના કરતા ગુપ્તાએ બચાવમાં કહ્યું   તેમનો કહેવાનો અર્થ એ હતો કે, આ મામલાને જાણીજોઈને ભડકાવવાની કોશિશ કરવી ન જોઈએ.

રાજ્યના નવા નાયબ મુખ્યપ્રધાન કવિન્દરના નિવેદનની ટીકા થઈ રહી છે. બીજી તરફ પોતાના નિવેદનને લીધે સવાલોમાં ઘેરાયા બાદ સફાઈ આપતા તેમણે કહ્યું છે કે, ‘મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. કઠુઆનો મામલો વિચારાધીન છે. હવે તેની પર સુપ્રીમ કોર્ટ નક્કી કરશે, વારંવાર આ મુદ્દો ઉઠાવવો ઠીક નથી.’ તેમણે કહ્યું હતું કે, ‘આ મામલાને વધુ ઉછાળવો તે સારી વાત નથી. મેં એમ કહ્યું હતું કે, આ પ્રકારના કેસ ઘણા છે, જાણીજોઈને તેને ભડકાવવાની કોશિશ ન કરવી જોઈએ.’