પંપોર: જમ્મુ-કશ્મીરના પંપોરમાં છેલ્લા 24 કલાકથી આતંકવાદીઓ સાથે એંકાઉંટર ચાલી રહ્યું છે. આતંકી ઈડીઆઈ નામના સરકારી બિલ્ડીંગમાં છુપાઈને હુમલા કરી રહ્યા છે. હાલ આ હુમલામાં ગ્રેનેડ અટેકમાં પાંચ નાગરિક, બે સીઆરપીએફના જવાન અને એક પોલીસ અઘિકારી એમ કુલ આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ આઠમાં બે મહિલાઓ પણ શામેલ છે. ગઈ કાલે આ અથડામણમાં બે જવાન ઘાયલ થયા હતા.


આતંકીઓને ખાત્મા માટે આજે કમાંડો ઓપરેશન કે બિલ્ડીંગને ઉડાવી દેવાનો નિર્ણય લઈ શકાય છે. સોમવારે રાત્રે 12 વાગ્યે અને બે વાગ્યે ફાયરિંગના આવાજો આવ્યા હતા.



શ્રીનગરથી 15 કિમી દૂર પંપોરમાં EDI એટલે કે આંત્રોપ્રેન્યોરશીપ ડેવલપમેંટ ઈન્સ્ટીટ્યુટની હોસ્ટેલ બિલ્ડીંગનો નક્શો છેલ્લા 24 કલાકમાં બદલાઈ ગયો છે. બિલ્ડીંગમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. બિલ્ડીંગના એક માળમાં આગ લાગતા તે સળગી ગયો છે. થોડી-થોડી વારે અંદરથી ફાયરિંગ થઈ રહી છે. બહારથી સુરક્ષાકર્મીઓ વળતો જવાબ આપી રહ્યા છે.

સોમવારે સવારથી 6:30 વાગ્યા પછી બિલ્ડીંગ આતંકીઓના કબજામાં છે. શંકા છે કે બિલ્ડીંગના સાતમાં માળે 2-3 આતંકીઓ છુપાયા છે.

એબીપી ન્યૂઝના સંવાદદાતા આસિફ કુરેશી સોમવાર સવારથી પંપોરથી રિપોર્ટીંગ કરી રહ્યા છે.

ઈડીઆઈ બિલ્ડીંગ એટલી મજબૂત બની છે કે ગ્રેનેડ અને રોકેટ લૉંચર પછી પણ તેની દિવાલોને કંઈ થયું નથી.

શંકા છે કે શાલિન ગામમાંથી આતંકી બિલ્ડીંગમાં ઘુસવામાં સફળ થયા હશે, અને ઝેલમ નદીના રસ્તે આતંકીઓ આવ્યા હશે.

ઈડીઆઈની હોસ્ટેલમાં 60 રૂમ છે. જો કે હાલમાં કોઈ પણ છાત્ર આ હોસ્ટેલમાં નથી. માત્ર એક કૂક હતો જેણે આગલ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને બોલાવ્યા હતા. જે બાદ ફાયર બ્રિગેડ પર ફાયરિંગ થતાં ખબર પડી કે અંદર આતંકવાદીઓ છે.

ઈડીઆઈની બિલ્ડીંગ પર ફેબ્રુઆરીમાં પણ આતંકી હુમલો થયો હતો. 48 કલાક સુધી 3 આતંકીઓ બ્લિડીંગમાં છુપાયા હતા અને અંતે ઠાર મરાયા હતા. ઓપરેશનમાં પાંચ સુરક્ષાકર્મીઓ અને એક નાગરિક શહીદ થયા હતા. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક બાદ આ ચોથો મોટો આતંકી હુમલો છે. નૌગામ, બારામુલા અને લંગેટમાં પણ આતંકી હુમલા થયા હતા.