લખનઉ: યુપીમાં અખિલેશ સરકારે સમાજવાદી સ્માર્ટફોન યોજના ચાલું કરી છે. આ યોજના લોંચ થાય તે પહેલા જ ટ્વીટર પર ટ્રેંડ કરવા લાગી છે. #samajwadismartphone હેશ ટેગ પ્રથમ નંબર પર ટ્રેડ કરી રહી છે. અત્યાર સુધીમાં સોળ લાખ લોકો આ પોર્ટલ પર વિઝીટ કરી ચુક્યા છે, જેના પર મોબાઈલ ફોન માટે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. આજ સુધીમાં 11000 લોકો દ્વારા રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે.

યુપીના સીએમ અખિલેશ યાદવે સોમવારે આ સ્માર્ટફોન યોજનાની શરૂઆત કરી હતી. આગામી એક મહિના સુધી એટલે કે 8 નવેમ્બર સુધી લોકો તેનું રજીસ્ટ્રેશન કરી શકે છે. જેના માટે તમારી ઉંમર 1 જાન્યુઆરી 2017 સુધી 18 વર્ષ હોવી જોઈએ. જો કોઈ સરકારી અધિકારી અથવા કર્મચારી હશે તો તેમને આ ફોન નહી મળી શકે. જો તમારી વાર્ષિક આવક 6 લાખ કરતા વધારે હશે તો આપ આ ફોન નહી મેળવી શકો.

યુપી સરકારના એક મોટા ઓફિસરે જણાવ્યું  કે આશરે 10 કરોડ સ્માર્ટફોનનું ફ્રી માં વિતરણ કરવું પડશે. જથ્થાબંધ ભાવથી ફોનની ખરીદી કરવાથી ફોનની કિંમત ચાર હજાર રૂપિયા હશે. એક વર્ષમાં 1 કરોડ ફોનનું વિતરણ કરવાની યોજના છે, જેના કારણે એક વર્ષમાં આશરે 4000 કરોડ રૂપિયા આ યોજના પાછળ ખર્ચ થશે. અખિલેશ યાદવની સ્માર્ટફોન યોજના હાલ તો હિટ સાબિત થઈ છે.