નવી દિલ્હીઃમાનવ સંસાધન વિકાસ મંત્રાલયે જેએનયુ વહીવટીતંત્રની પાંચ સભ્યોની ટીમ સાથે શુક્રવારે મુલાકત કરી હતી. આ ટીમમાં યુનિવર્સિટીના કુલપતિ જગદીશ કુમાર પણ સામેલ હતા. સચિવ અમિત ખરે સાથેની મુલાકાત બાગ જગદીશ કુમારે મીડિયાને કહ્યું હતું કે જો જરૂર પડી તો જેએનયૂમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની તારીખને વધારવામાં આવશે. નોંધનીય છે કે આ બેઠક જેએનયૂમાં વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલા ગતિરોધને ઉકેલવા માટે બોલાવવામાં આવી હતી.


જેએનયૂના કુલપતિએ કહ્યું કે અમે એ તમામ વિદ્યાર્થીની મદદ કરવા માંગીએ છીએ જે રજીસ્ટ્રેશન કરાવવા માંગે છે એટલા માટે રજિસ્ટ્રેશનની તારીખ વધારવામાં આવી શકે છે. યુનિવર્સિટીમાં સ્થિતિ સામાન્ય છે. નોંધનીય છે કે શિયાળુ સત્ર માટે જેએનયૂમાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 12 જાન્યુઆરી સુધી ચાલશે. તેમણે કહ્યું કે 12 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફીસ લેવામાં નહી આવે.

નોંધનીય છે કે ફીમાં વધારો અને હોસ્ટેલના નિયમોમાં ફેરફાર વિરુદ્ધ છેલ્લા 72 દિવસોથી જેએનયૂમાં ધરણા આપી રહેલા વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ પર સર્વર રૂમને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. બીજી તરફ જેએનયૂ વિદ્યાર્થી સંગઠને વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશનનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.