નવી દિલ્હીઃ જેએનયુમાં રવિવારે થયેલી હિંસક ઘટના બાદ આજે વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યુ કે જ્યારે તે આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તે સમય દરમિયાન ત્યાં કોઇ ટૂકડે-ટૂકડે ગેંગ નહોતી. તેઓને જેએનયૂની વર્તમાન સ્થિતિ અંગે પૂછવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 2016માં યુનિવર્સિટી કેમ્પસમાં કથિત રીતે દેશવિરોધી નારેબાજી કરવામાં આવી હતી, ટૂકડે-ટૂકડે શબ્દ એ નારેબાજીના સંદર્ભમાં ભાજપ ઉપયોગ કરી રહી છે.


દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમને જ્યારે જેએનયૂ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, જેએનયૂના મુદ્દા પર હું ગઇકાલે બોલી ચૂક્યો છું અને તે ખૂબ સ્પષ્ટ છે. હું તમને નિશ્વિત રીતે કહી શકુ છું કે જ્યારે હું જેએનયૂમાં અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાં કોઇ ટૂકડે-ટૂકડે ગેંગ નહોતી. જયશંકરે ગઇકાલની ઘટના પર ટ્વિટ કર્યું હતું.  જેમાં તેમણે ઘટના પર દુખ વ્યક્ત કરતા લખ્યું હતું કે જેએનયૂમાં જે થયું તે મેં જોયું. તેની  નિંદા કરી રહ્યો છું. આ જેએનયૂની સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધ છે.