જોધપુરઃ જોધપુરના રાતાનાડા પીડબલ્યુડી ચાર રસ્તા સ્થિત હોટલ લોર્ડ ઈનના છઠ્ઠા માળેથી કૂદીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે છત પરથી કૂદેલી યુવતી નીચે ઉભેલી કાર પર પડી હતી. જેના કારણે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અવાજ સાંભળીને ધસી આવેલા હોટલ કર્મચારીએ તેને હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે રાતનાડા પોલીસે આઈટી એક્ટ, બ્લેકમેલ કરવાની કલમો અંતર્ગત ગુનો નોંધી એક યુવક સામે તપાસ શરૂ કરી છે.
શું છે મામલો
જાણીતી મોડલ ગુનગુન ઉપાધ્યાયે રાજસ્થાનના જોધપુરમાં હોટલ લોર્ડ ઈનના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. તબીબોનું કહેવું છે કે ઘણી ઊંચાઈએથી પડવાને કારણે ગુનગુનની પાંસળી અને પગમાં ફ્રેક્ચર થયું છે. જોકે તેની હાલત ખતરાની બહાર છે. પોલીસે જણાવ્યું કે ગુનગુન શનિવારે ઉદયપુરથી જોધપુર આવી હતી. તે અહીં રતનદાદાની હોટલમાં રોકાઈ હતી.
કૂદતા પહેલા પિતાને કર્યો ફોન
રવિવારે તેણે તેના પિતાને ફોન કર્યો હતો. કહ્યું, 'પાપા, હું આત્મહત્યા કરવા જઈ રહી છું, જરા મારો ચહેરો જુઓ'. જે બાદ તેના પિતા ગણેશ ઉપાધ્યાયે પોલીસનો સંપર્ક કર્યો હતો. એસીપી દેરાવર સિંહે ફોન નંબરના આધારે ગુનગુનનું લોકેશન ટ્રેસ કર્યું અને સ્થળ પર પહોંચ્યા. જોકે ત્યાં સુધીમાં ગુનગુને છઠ્ઠા માળેથી છલાંગ લગાવી દીધી હતી. ડૉક્ટરોનું કહેવું છે કે ગુનગુનનું ઘણું લોહી વહી ગયું છે, તેથી તે અત્યારે વાત કરવાની સ્થિતિમાં નથી.
વીડિયો બનાવીને બ્લેકમેલ કરાતી હતી ?
સૂત્રોના કહેવા મુજબ યુવતીનો વીડિયો બનાવીને તેને એક યુવક બ્લેકમેલ કરતો હતો. આ સ્થિતિમાં યુવતીએ પરેશાન થઈને કદાચ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.