રાજસ્થાનના જોધપુરમાં ઈદ પહેલા ઝંડાને લઈને બે સમુદાયના લોકો વચ્ચે કોમી તણાવની સ્થિતિ સર્જાઈ હતી. તણાવ એટલો વધી ગયો કે બે સમુદાયો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો જેમાં SHO સહિત ત્રણ પોલીસકર્મી અને 4 પત્રકારો ઘાયલ થયા હતા. હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અહીં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જોધપુરમાં રાત્રે લગભગ એક વાગ્યાથી તમામ ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. અહિં 10 પોઈન્ટમાં સમજો અત્યાર સુધીની હિંસામાં શું થયું?


1. વિવાદ સોમવારે મધ્યરાત્રિ પછી શરૂ થયો હતો જ્યારે લઘુમતી સમુદાયના કેટલાક સભ્યો ઈદ પર જાલોરી ગેટ પાસે એક ચોકડી પર ધાર્મિક ધ્વજ લહેરાતા હતા, તેઓએ ચોકમાં સ્થાપિત સ્વાતંત્ર્ય સેનાની બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ લહેરાવ્યો હતો. આ અંગે હિંદુ લોકો સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.


2. રાજસ્થાનના જોધપુર શહેરમાં સાંપ્રદાયિક તણાવ બાદ મંગળવારે 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.


3. મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. ત્યાર બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓને હાજર રહ્યા હતા. અશોક ગેહલોતે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગૃહરાજ્ય મંત્રી અને પોલીસ અધિકારીઓને તાત્કાલિક જોધપુર જવાનો નિર્દેશ આપ્યો હતો.


4. પ્રાપ્ત માહિતી અનુસાર, હિન્દુ સમુદાયના લોકોએ આરોપ લગાવ્યો હતો કે, પરશુરામ જયંતિ પર લગાવવામાં આવેલા ધ્વજની જગ્યાએ ઈસ્લામિક ધ્વજ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે બંને સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ થયું હતું.


5. પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ પથ્થરમારામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. અફવાઓ ન ફેલાય તે માટે આ વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.


6. ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. જો કે આજે મંગળવારે સવારે જલોરી ગેટ પાસેની ઈદગાહમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી, પરંતુ નમાજ પછી કેટલાક લોકોએ ત્યાં પાર્ક કરેલા વાહનો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક વાહનોને નુકસાન થયું હતું.


7. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, જોધપુરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રાજકુમાર ચૌધરીએ મંગળવારે બપોરે 1 વાગ્યે શહેરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારો, ઉદયમંદિર, સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ, ખંડા ફલસા, પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેવનગર, સુરસાગર. અને સરદારપુરામાં બુધવારથી મધરાત સુધી કર્ફ્યુ લાદવાના આદેશ આપ્યા હતા.


8. એક તરફ કોંગ્રેસ જલૌરી ગેટ અને કબૂતર ચોક વિસ્તારમાં થયેલી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવી રહી છે, ત્યારે બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જોધપુરમાં આ બધું એક વિચિત્ર ષડયંત્ર હેઠળ થઈ રહ્યું છે.


9. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું, "આ બધુ જોધપુરમાં એક વિચિત્ર ષડયંત્ર હેઠળ થઈ રહ્યું છે. રાજસ્થાન સરકાર માટે ધર્મનિરપેક્ષતા માત્ર વોટબેંકનું વાહન બનીને રહી ગઈ છે. રાજસ્થાન સરકાર પોતાના જ ષડયંત્રમાં ફસાઈ ગઈ છે."


10. ભાજપના ધારાસભ્ય સૂર્યકાંત વ્યાસના ઘરની બહાર હિંસાની ઘટના બની હતી. કેટલાક અસામાજીક તત્વોએ ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી અને ધારાસભ્યના ઘરની બહાર હંગામો મચાવ્યો હતો. આ ઘટનાઓ બાદ અશોક ગેહલોત સરકારે DGP અને વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી.