PM Modi Denmark Business Forum: જર્મની બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપ પ્રવાસના બીજા દિવસે ડેનમાર્ક પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીએ ડેનમાર્કનાં પ્રધાનમંત્રી ફ્રેડ્રિકસનને મળ્યા હતા. આ પછી પ્રધાનમંત્રી મોદીએ ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ સમિટમાં ભાગ લીધો છે. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, ગ્રીન ટેક્નોલોજીમાં રોકાણ કરવાની ઘણી સારી સંભાવનાઓ છે.


ભારતમાં વેપાર અંગે વાત કરીઃ
આ બિઝનેસ સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગ્રીન ટેક્નોલોજી સિવાય કોલ્ડ ચેઈન, શિપિંગ અને પોર્ટમાં બિઝનેસની ઘણી તકો છે. ભારત નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રા માટે પીએમ ગતિશક્તિ પર કામ કરી રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત અને ડેનમાર્કે ભૂતકાળમાં પણ વેપારના ક્ષેત્રમાં સાથે મળીને કામ કર્યું છે. આપણા બંને દેશોની શક્તિઓ એકબીજાની પૂરક છે.


પીએમ મોદીએ ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ સમિટમાં કહ્યું કે, આજકાલ સોશિયલ મીડિયા પર FOMO એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ભારતના સુધારા અને રોકાણની સંભાવનાઓને જોતા હું કહી શકું છું કે, જેઓ અમારા દેશમાં રોકાણ નહીં કરે તેઓ ચૂકી જશે.


પીએમ મોદીએ જણાવ્યું કે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈઃ
આ પહેલા પીએમ મોદીએ ડેનમાર્કનાં પીએમ મેટ્ટે ફ્રેડ્રિકસન સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર લાંબા સમય સુધી ચર્ચા થઈ હતી. આ પછી બંને પક્ષો તરફથી સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ડેનમાર્ક બંને લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા મૂલ્યો ધરાવે છે, સાથે જ આપણા બંનેમાં ઘણી સમાન શક્તિઓ છે. તેમણે કહ્યું કે, ઓક્ટોબર 2020માં ભારત-ડેનમાર્ક વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અમે અમારા સંબંધોને ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપ્યો હતો. આજે અમારી ચર્ચા દરમિયાન, અમે અમારી ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સંયુક્ત યોજનાની ચર્ચા કરી. અમે ભારત-EU સંબંધો, ઈન્ડો-પેસિફિક અને યુક્રેન સહિત ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમે આશા રાખીએ છીએ કે, ભારત-EUના મુક્ત વેપાર કરાર ઉપર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે.