મુંબઈ: મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીને મોટો ઝટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા અર્નબ ગોસ્વામીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે અર્નબ જામીન માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે છે. આ માટે તેણે નિયત સમયમાં અપીલ કરવી પડશે. એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે 4 નવેમ્બરના રોજ તેના ઘરેથી ધરપકડ કરી હતી.




રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્નબ ગોસ્વામીને 18 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ત્યાર બાદ તેને શનિવારની રાત સુધી અલીબાગની એક સ્કૂલમાં ક્વોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. રવિવારે સવારે તેને તલોજા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને ન્યાયિક કસ્ટડી હોવા છતાં સોશિયલ મીડિયા પર સક્રિય હતા.

મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાયક અને તેની માતા કુમુદિનીએ મે 2018માં આત્મહત્યા કરી હતી. સુસાઇડ નોટમાં અર્નબ સહિત 3 લોકો પર આરોપ લગાવ્યો હતો.