નવી દિલ્હી: પત્રકાર રામચંત્ર છત્રપતિ હત્યા કેસમાં બાબા ગુરમીત રામ રહીમ સહિત ચાર દોષીતોને પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. સાથે રામ રહીમ પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રામચંદ્ર જ રામ રહીમની કરતૂતોને દુનિયા સામે લાવ્યા હતા. 17 વર્ષથી ઇન્સાફની લડાઈ લડી રહેલા રામચંદ્રના પરિવારનો ઇંતજાર આજે ખતમ થયો.
કૉર્ટે રામ રહીમને મોટો ઝટકો આપતા આદેશ આપ્યો છે કે બળાત્કાર કેસમાં 20 વર્ષની સજા પૂરી થાય ત્યાર બાદ રામ રહીમની ઉમ્ર કેદની સજા શરૂ થશે. એટલે કે રામ રહીમ જ્યારે 70 વર્ષનો થશે ત્યારે તેની આજીવન કારાવાસની સજા શરૂ થશે. સીબીઆઈએ રામ રહીમને પત્રકાર હત્યા કેસમાં ફાંસીની સજાની માંગ કરી હતી.
રામ રહિમ સહિત તમામ દોષીતોને વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા સજા સંભળાવી હતી. રામ રહીમ સિવાય કૃષ્ણ લાલ, નિર્મલ સિંહ અને કુલદીપ સિંહનું નામ સામલે છે. ઉલ્લેખનીય છે કે 11 જાન્યુઆરીએ થયેલી કોર્ટની સુનાવણીમાં રામ રહીમ અને તેના મેનેજરને હત્યાનું કાવતરું રચવામાં દોષી ઠેરવ્યા હતા અને ડેરા સમર્થક નિર્મલ અને કુલદીપને પત્રકાર પર ગોળી મારવામાં દોષી ગણાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પત્રકાર હત્યાકાંડ કેસ 17 વર્ષ જૂનો છે. વર્ષ 2002માં રામચંદ્ર છત્રપતિએ દૈનિક અખબાર ‘પૂરા સચ’માં ડેરા સચ્ચામાં ચાલતી ખરાબ ગતિવિધિઓ વિશે પ્રથમ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. તેણે બે સાધ્વીઓ સાથે થયેલા બળાત્કારની ખબર પત્રના આધારે અખબારમાં પ્રસિદ્ધ કરી હતી. તેના બાદ તેને ગુરમીત સિંહના લોકો ધમકીઓ આપવા લાગ્યા હતાં. પરંતુ રામ ચંદ્ર તેમના વિરુદ્ધ લખવાનું ચાલું રાખ્યું હતું. 24 ઓક્ટોબરે 2002માં રાત્રે હુમલાવરોએ તેના ઘરની બહાર તેને ગોળી મારી દીધી હતી.