નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા બનશે તેવું લગભગ નક્કી થઈ ગયું છે. પાર્ટી અધ્યક્ષની ચૂંટણી આગામી 19 જાન્યુઆરીએ દિલ્હીમાં થશે. એવામાં જેપી નડ્ડાનું પાર્ટી અધ્યક્ષ બનવું નક્કી માનવામાં આવી રહ્યું છે. હાલમાં પાર્ટીના અધ્યક્ષ ગૃહમંત્રી અમિત શાહ છે. હાલ ભાજપમાં સંગઠનની ચૂંટણી ચાલી રહી છે. ભાજપ અનુસાર 50 ટકાથી વધુ રાજ્યના સંગઠનની ચૂંટણી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવી શકે છે.

જેપી નડ્ડા વિદ્યાર્થી રાજનીતિ સમયે એબીવીપી સાથે જોડાયેલા હતા અને સંગઠનોના વિભિન્ન પદો સંભાળતા પહેલીવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેના બાદ રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી પણ રહ્યાં છે.

રાષ્ટ્રીય રાજનીતિમાં જેપી નડ્ડા વર્ષ 2010માં આવ્યા હતા. જ્યારે તત્કાલિન રાષ્ટ્રી અધ્યક્ષ નિતિન ગડકરીએ તેને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નિયુક્ત કર્યા હતા. બાદમાં અમિત શાહે તેમને પોતાની ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા હતા. જેપી નડ્ડાની ઓળખ મૃદુભાષી અને સંગઠનના જાણકાર નેતા તરીકે છે.