નવી દિલ્હીઃ અમિત શાહ મોદી સરકારમાં ગૃહમંત્રી બન્યા બાદ હવે એ ચર્ચા શરૂ થઇ ગઇ છે કે અમિત શાહના સ્થાને હવે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોને બનાવવામાં આવશે. સૂત્રોના મતે આગામી એક સપ્તાહમાં પાર્ટી તરફથી કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના બંધારણ અનુસાર, પાર્ટીના નવા પૂર્ણકાલિન અધ્યક્ષની ચૂંટણી અથવા નિમણૂક 50 ટકાથી વધુ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થયા બાદ થઇ શકે છે. નોંધનીય છે કે ભાજપે સપ્ટેમ્બર 2018માં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો કે સંગઠન અને નવા અધ્યક્ષની ચૂંટણી અને નિમણૂકની પ્રક્રિયા લોકસભા ચૂંટણી થયા બાદ જ કરાવી શકાય છે.


2019ના અંતમા  યોજાનારી મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી દેશભરમાં 50 ટકાથી વધુ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી નહી થઇ જતી ત્યાં સુધી પાર્ટી તરફથી કાર્યકારી અધ્યક્ષના નામની જાહેરાત થઇ શકે છે.સૂત્રોના મતે કાર્યકારી અધ્યક્ષ જ પાર્ટીનો નવો અધ્યક્ષ બનશે.

માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ માટે જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને કૈલાશ વિજયવર્ગીયમાંથી કોઇના એકના નામની પસંદગી કરવામાં આવી શકે છે. સૂત્રોના મતે નડ્ડા આ રેસમાં  સૌથી આગળ છે. નડ્ડા હાલમાં પાર્ટીની સૌથી પાવરફૂલ સંસદીય બોર્ડ અને કેન્દ્રિય ચૂંટણી સમિતિના સચિવ છે. નડ્ડા 2010થી નવેમ્બર 2014 સુધી નીતિન ગડકરી, રાજનાથ સિંહ અને અમિત શાહ સાથે પાર્ટીના મહાસચિવ તરીકે કામ કરી ચૂક્યા છે.