Chief Justice of India: દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના હશે. તેઓ 11 નવેમ્બરે કાર્યભાર સંભાળશે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આની જાહેરાત કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે તેમના અનુગામી તરીકે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી હતી. સરકારે આઉટગોઇંગ CJIને પત્ર લખીને મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર મુજબ તેમની ભલામણો મોકલવા જણાવ્યું હતું. વાસ્તવમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ બે વર્ષના કાર્યકાળ પછી 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 65 વર્ષના થશે તેના એક દિવસ પછી સંજીવ ખન્ના 11 નવેમ્બરે શપથ લેશે. જસ્ટિસ ચંદ્રચુડે 8 નવેમ્બર, 2022ના રોજ CJI તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જસ્ટિસ ખન્નાનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ લગભગ છ મહિનાનો રહેશે અને તેઓ 13 મે, 2025ના રોજ નિવૃત્ત થશે.
કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, માનનીય રાષ્ટ્રપતિ, ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્નાને 11 નવેમ્બર, 2024 થી ભારતના મુક્ય ન્યાયાધીશ રુપે નિયુક્ત કરતા ખુશી અનુભવું છું.
જસ્ટિસ સંજીવ ખન્નાએ અનેક મોટા ચુકાદા આપ્યા છે
જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો આપ્યા છે. તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર માટે તત્કાલિન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે PMLA એક્ટની કડક જોગવાઈઓ કોઈને ટ્રાયલ વિના લાંબા સમય સુધી જેલમાં રાખવાનો આધાર બની શકે નહીં. તેમણે VVPAT અને EVMના 100 ટકા મેચિંગની માંગને નકારી કાઢી હતી. તે બેંચના સભ્ય હતા જેણે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. તેમણે એ પણ ચુકાદો આપ્યો હતો કે જો લગ્ન ચાલુ રાખવા અશક્ય છે, તો સુપ્રીમ કોર્ટ તેની વિશેષ સત્તાનો સીધો ઉપયોગ કરીને છૂટાછેડાનો આદેશ આપી શકે છે.
આ પણ વાંચો...