લખનઉમાં કમલેશ તિવારીની હત્યામાં વપરાયેલા હથિયારો મીઠાઈના એક બોક્સમાં લઇને આવ્યા હતા. ભગવા કપડા પહેરેલા હત્યારાઓ ખુર્શીદ બાગ વિસ્તારમાં સ્થિત તિવારીની ઓફિસમાં ગયા હતા અને તક મળતા તિવારીની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસને સુરત કનેક્શન હાથ લાગ્યું હતું. બાદમાં
ગુજરાત એટીએસએ સુરતમાંથી 3 લોકોની ધરપકડ કરી છે. મૌલાના મોહસીન શેખ, ફૈઝાન અને રશિદ અહમદ પઠાણ ની સુરતમાંથી ધરપકડ કરાઇ હતી. આ લોકોએ હત્યા માટે સુરતમાંથી જ પિસ્તોલ ખરીદી હતી. ગુજરાત એટીએસ ઉત્તરપ્રદેશ પોલીસના સંપર્કમાં છે. યુપી ડીજીપીના મતે રશીદ આ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે. યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે શનિવારે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, આ મામલામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. આ ત્રણેય હત્યાકાંડમાં સામેલ હતા. 23 વર્ષનો રશીદ અહમદ પઠાણ દરજી છે. મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષ છે અને તે સાડીની દુકાનમાં કામ કરે છે જ્યારે ફૈઝાન સુરતમાં જૂતાની શોપમાં નોકરી કરે છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મોહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ કમલેશ તિવારીની ધરપકડ થઈ હતી.