મુંબઈ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે અભિનેત્રી કંગના રનૌતને મહારાષ્ટ્ર અથવા મુંબઈમાં રહેવાનો કોઈ હક નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કંગનાએ પોતાના એક ટ્વિટમાં કહ્યું હતું કે મૂવી માફિયાથી વધારે મુંબઈ પોલીસથી ડર લાગે છે. તેના આ નિવેદનને લઈને અનિલ દેશમુખે કહ્યું કે મુંબઈ પોલીસની તુલના સ્કૉટલેન્ડ યાર્ડ પોલીસ સાથે થાય છે.


અનિલ દેશમુખે કહ્યું, 'મુંબઈ પોલીસની તુલના સ્કૉટલેન્ડ યાર્ડ સાથે કરવામાં આવે છે. કેટલાક લોકો મુંબઈ પોલીસને નિશાન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. એક આઈપીએસ અધિકારી તેની વિરૂદ્ધમાં કોર્ટમાં ગયા છે. તેની (કંગના રનૌત) મુંબઈ પોલીસ સાથે તુલના....તેને મહારાષ્ટ્ર અથવા મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી.'



પોતાના એક ટ્વિટમાં કંગનાએ શિવસેનાના સીનિયર નેતા સંજય રાઉત પર નિશાન સાધતા મુંબઈની તુલના પીઓકે સાથે કરી હતી. તેણે કહ્યું હતું, શિવસેના નેતા સંજય રાઉત મને ખુલ્લી ધમકી આપી રહ્યા છે અને કહી રહ્યા છે હું મુંબઈ પરત ન ફરૂ. પહેલા મુંબઈના રસ્તાઓ પર આઝાદીના નારા લાગ્યા અને હવે ખુલ્લી ધમકી મળી રહી છે. આ મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) જેવું કેમ લાગી રહ્યું છે.?

આજે શિવસેના નેતા સંજય રાઉતે કંગનાના આરોપો પર કહ્યું, તમે (કંગના રનૌત) મહારાષ્ટ્રનું અપમાન કરવાની કોશિશ કરી રહ્યા છો. જરૂર કોઈ રાજકીય દળ અથવા તાકાત છે જે તેને સમર્થન આપી રહ્યું છે ત્યારે જ તે આ રીતે બોલી રહી છે. મુંબઈ અને મુંબઈ પોલીસની છબી ખરાબ કરવા માટે એક કાવતરૂ કરવામાં આવી રહ્યું છે.