કર્ણાટકમાં સ્થાનિક લોકો માટે પ્રાઇવેટ નોકરીમાં 100 ટકા ક્વોટા નક્કી કરવાના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકાર વિવાદમાં ફસાઇ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગઇકાલે કેબિનેટના આ નિર્ણયનું સ્વાગત કરતા એક પોસ્ટ કરી હતી. આજે તેમણે આ પોસ્ટ ડિલિટ કરી દીધી છે. આ વચ્ચે  વચ્ચે શ્રમ મંત્રી સંતોષ લાડે સ્પષ્ટતા કરી હતી કે પ્રાઇવેટ નોકરીઓમાં 50 ટકા અને 70 ટકા જ સ્થાનિક લોકો માટે ક્વોટા રહેશે.






કર્ણાટક સરકારે પ્રાઇવેટ કંપનીઓમાં ‘સી’ અને ‘ડી’ ગ્રેડના પદો પર 100 ટકા કન્નડ લોકોની નિમણૂક કરવી ફરજિયાત કરવા સંબંધિત બિલને મંજૂરી આપવા પર કર્ણાટકના મંત્રી એમબી પાટીલે કહ્યું હતું કે મે જોયું છે કે ઘણા લોકોને આ અંગે અનેક આશંકા છે. અમે આ ભ્રમને દૂર કરીશું. અમે મુખ્યમંત્રી સાથે બેઠક કરીશું અને તેનો ઉકેલ લાવીશું જેથી તેની કોઇ પ્રતિકૂળ અસરો થાય નહીં.






કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉના ટ્વિટર) પર લખ્યું હતું કે  "ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં "C અને D" ગ્રેડની પોસ્ટ પર 100 ટકા કન્નડ લોકોની નિમણૂક કરવાનું ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપવામાં આવી છે.


સિદ્ધારમૈયાએ આગળ લખ્યું કે અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ ભૂમિમાં કન્નડ લોકોને નોકરીથી વંચિત ન રાખવામાં આવે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક આપવામાં આવે. અમે કન્નડ સમર્થક સરકાર છીએ. અમારી પ્રાથમિકતા કન્નડ લોકોના કલ્યાણનું ધ્યાન રાખવાની છે. જોકે મુખ્યમંત્રીએ આ પોસ્ટ ડિલિટ કરી દીધી છે.