Mumbai Viral Video: મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા દ્વારા 'એરપોર્ટ લોડર' માટેની ભરતી દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 600 પોસ્ટ માટે 25,000 થી વધુ અરજદારો પહોંચ્યા હતા અને એર ઈન્ડિયાના કર્મચારીઓ માટે ભારે ભીડને કન્ટ્રોલ કરવી મુશ્કેલ થઇ રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે અરજદારો ફોર્મ કાઉન્ટર સુધી પહોંચવા માટે એકબીજાને ધક્કા મારી રહ્યા હતા.






‘એરપોર્ટ લોડર્સ’ને એરક્રાફ્ટ લોડિંગ અને અનલોડિંગ અને બેગેજ બેલ્ટ અને રેમ્પ ટ્રેક્ટર ચલાવવાનું કામ સોંપવામાં આવે છે. દરેક એરક્રાફ્ટને સામાન, કાર્ગો અને ખાદ્યપદાર્થોના પુરવઠાને હેન્ડલ કરવા માટે ઓછામાં ઓછા પાંચ લોડર્સની જરૂર પડે છે.


પગાર કેટલો છે?


એરપોર્ટ લોડર્સનો પગાર દર મહિને 20,000 થી 25,000 રૂપિયાની વચ્ચે હોય છે, પરંતુ મોટાભાગના લોકો ઓવરટાઇમ ભથ્થા પછી 30,000 રૂપિયા કરતાં વધુ કમાય છે. નોકરી માટે શૈક્ષણિક માપદંડ ઓછા છે પરંતુ ઉમેદવાર શારીરિક રીતે મજબૂત હોવો જોઈએ.


ગુજરાતમાં પણ ઈન્ટરવ્યૂ માટે ભીડ ઉમટી હતી


થોડા દિવસો પહેલા ગુજરાતમાં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે 40 ખાલી જગ્યાઓ માટે 800 જેટલા લોકો વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. હોટલના ગેટ તરફ જતા રેમ્પ પર ચઢવાનો પ્રયાસ કરી રહેલા અરજદારોની લાંબી કતાર અને ધક્કામુક્કીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન રેમ્પની રેલિંગ પણ તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો પડી ગયા હતા, જો કે સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી.