કાનપુરઃ કાનપુરના બિકરુ ગામમાં ગત સપ્તાહે પોલીસકર્મીઓ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાનો માસ્ટર માઇન્ડ વિકાસ દુબેને હજુ પણ પોલીસ પકડી શકી નથી. જોકે, આ મામલે વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિકાસ દુબે અને સાથીઓના પોસ્ટર જાહેર કર્યા છે અને જોવા મળે તો પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. પોસ્ટરમાં 15 આરોપીઓના નામ છે.


ઉત્તરપ્રદેશના ADG (લૉ એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે કહ્યું કે, 40 ટીમ અને એસટીએફ કામ કરી રહી છે. અમે વિકાસ દુબે, તેના સાથીઓ અને પરિવારજનોની માહિતી એકત્ર કરી રહ્યા છીએ. તે આટલી મોટી માત્રામાં હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં વાપરવાનો હતો.

ઘરની તલાશી દરમિયાન 2 કિલો વિસ્ફોટક પદાર્થ, 6 દેશી બનાવટની પિસ્તોલ, 15 ક્રૂડ બોંબ અને 25 કારતૂસ મળી આવ્યા છે. જ્યાં સુધી અમે વિકાસ દુબે અને તેની ગેંગની ધરપકડ નહીં કરી લઈએ ત્યાં સુધી ચૂપ નહીં બેસીએ.

કાનપુર એન્કાઉન્ટર મુદ્દે પોલીસે વિકાસની પત્ની ક્ષમા, પડોશી સુરેશ વર્મા અને નોકરાણી રેખાની ધરપકડ કરી છે. આ ઉપરાંત વિકાસની નજીક મનાતા જય વાજપેયીની પણ ધરપકડ કરી છે. એસટીએફ વાજપેયીની પૂછપરછ કરી રહી છે.



વિકાસ દુબેની માતા સરલા દેવીએ કહ્યું, તે મરી જાય તો પણ ચિંતા નથી. વિકાસના કારણે અમારી ઘણી બદનામી થઈ છે. તેણો પોલીસને મારીને ઘણું ખોટું કર્યુ છે. જેણે જેવું કર્યુ તેવું ભોગવશે. સરકાર અને પોલીસને જેમ કરવું હોય તેમ કરે. વિકાસના ઘર સાથે તેમનો કોઈ સબંધ નથી.

સરલા દેવીએ જણાવ્યું, વર્ષો પહેલા વિકાસનું એક્સિડેન્ટ થયું હતું. જેમાં તેના બંને પગમાં સળિયા નાંખવા પડ્યા હોવાથી તે ઝડપથી ભાગી શકતો નથી. વિકાસ તેના બાળકો અંગે તો વિચાર કરવો જોઈતો હતો. વિકાસના બે બાલકો છે. જેમાં એક વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે અને બીજો વિકાસની પત્ની સાથે રહે છે.