Kanwar Yatra row: સુપ્રીમ કોર્ટે કાંવડ માર્ગ પર દુકાનદારોના નામ લખવાના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ આ પ્રકારના આદેશ આપ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટિસ એસવી ભાટીએ તેનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે તેઓ પોતે કેરળમાં મુસ્લિમ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરે છે. તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું.
હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના તે આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં કાંવડ માર્ગ પર આવતી દુકાનો પર દુકાનદારોના નામ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ અરજીઓમાં ઉત્તરાખંડ એમપીના કેટલાક શહેરોમાં સમાન આદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર વચગાળાનો સ્ટે મુકી દીધો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવ્યો છે. આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.
જજ મુસ્લિમ રેસ્ટોરન્ટમાં કેમ ગયા?
જસ્ટિસ ભાટીએ કહ્યું કે, કેરળના એક શહેરમાં 2 પ્રખ્યાત શાકાહારી રેસ્ટોરન્ટ છે. એક હિંદુ અને એક મુસ્લિમ. મને અંગત રીતે મુસ્લિમ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ હતું કારણ કે ત્યાં સ્વચ્છતા વધુ જોવા મળતી હતી. બીજી તરફ સુનાવણી દરમિયાન જસ્ટિસ હૃષીકેશ રાયે કહ્યું કે, શું કાંવડીયાઓ એવી પણ અપેક્ષા રાખી શકે છે કે ખોરાક કોઈ ચોક્કસ સમુદાયના દુકાનદાર પાસેથી હોવો જોઈએ, અનાજ કોઈ ચોક્કસ સમુદાય દ્વારા જ ઉગાડવું જોઈએ? તેના પર સિંઘવીએ કહ્યું, અમારી પણ આ જ દલીલ છે.
અરજદાર મહુઆ મોઇત્રા તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, દુકાનદાર અને સ્ટાફના નામ લખવા જરૂરી બનાવવામાં આવ્યા છે. આ exclusion by identity છે. જો તમે નામ ન લખો તો ધંધો બંધ, નામ લખો તો વેચાણ સમાપ્ત. તેના પર જસ્ટિસ ભાટીએ કહ્યું કે આ બાબતને અતિશયોક્તિ ન કરવી જોઈએ. આદેશ પહેલા મુસાફરોની સુરક્ષાનો પણ વિચાર કરવામાં આવ્યો હશે. તેના પર સિંઘવીએ કહ્યું કે, આ નિર્ણય આર્થિક બહિષ્કારનો પ્રયાસ છે. જેના કારણે અસ્પૃશ્યતાને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.