નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કરિશ્મા કપુર અને ઉદ્યોગપતિ સંજય કપુરના છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. કરિશ્મા કપુરનો છૂટાછેડાનો કેસ મુંબઇની ફેમિલી કોર્ટમા ચાલતો હતો જેને સોમવારે મંજુરી આપી દેવામાં આવી હતી.
કરિશ્માના વકિલ ક્રાંતિ સાઠેએ જણાવ્યું હતું કે, 'અદાલતમાં આપવામાં આવેલી લેખિત જાણકારીને આધારે સત્યતા તપાસ્યા બાદ છૂટાછેડા મંજૂર કરી લીધા હતા.' પુત્રી સમાયરા અને પુત્ર કિઆનની કસ્ટડી કરિશ્મા કપુરને આપવામાં આવી છે. સંજય તેના બાળકોને રજા દરમિયાન બે અઠવાડીયા માટે મળી શકે છે.
કરિશ્માના પિતા અભિનેતા રણધીર કપુરનો સંપર્ક કરાતા તેણે આના પર ટિપ્પણી કરવાનો ઇંકાર કર્યો હતો. અને કહ્યું હતું કે, અમારા તરફથી બધુ પુરુ થઇ ગયું છે. કરિશ્મા કપુરના લગ્ન 2003 માં દિલ્લી નિવાસી ઉદ્યોગપતિ સંજય કપુર સાથે થયા હતા. પરંતું તેમના સંબંધોમાં થોડા સમય બાદ જ ભંગાણ પડ્યું હતું. 2012માં બંને અલગ થયા હતા. 2014માં છૂટાછેડાની અરજી કરી હતી.