બેંગલુરુઃ કર્ણાટકમાં  વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઇ ગયું છે. લોકોમાં મતદાનને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યની 224 વિધાનસભાની 222 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.  સાંજે 6 વાગ્યા સુધીમાં 70 ટકા વોટિંગ થયું છે.  વિધાનસભા ચૂંટણીનું પરિણામ 15 મેના રોજ આવશે.

એક સીટ પર મતદાન બીજેપીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય બી એન વિજય કુમારના નિધનને પગલે સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે નકલી વોટર આઇડી કાર્ડ મળવાને કારણે આરઆર નગર બેઠક પર પણ મતદાન રોકી દેવામાં આવ્યું છે. આ બેઠક પર  મતદાન 28 મેના રોજ થશે અને પરિણામ 31 મેના રોજ આવશે. રાજ્યના 4.98 કરોડથી વધુ મતદારો મતદાન કરશે.

એચડી દેવગૌડાએ હાસનમાં મતદાન અગાઉ પ્રાચીન મંદિર શ્રી રંગનાથસ્વામી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં જેડીએસની સરકાર બનશે. ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર યેદિયુરપ્પાએ શિકારીપુરામાં મતદાન કર્યું હતું અને તેમણે કહ્યું કે, તેઓ આગામી 17 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે.