કર્ણાટકના બીજેપી ધારાસભ્ય  રેણુકાચાર્યએ  (Renukacharya)એ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી પાસે માંગ કરી છે કે રાજ્યમાં મદ્રેસાઓ પર પ્રતિબંધ મુકવો જોઈએ. રેણુકાચાર્યએ કહ્યું કે શું એવી શાળાઓ નથી કે જ્યાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય? તેમણે દાવો કર્યો હતો કે મદ્રેસામાં રાષ્ટ્રવિરોધી પાઠ ભણાવવામાં આવે છે, તેથી તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


કર્ણાટકના બીજેપી ધારાસભ્ય રેણુકાચાર્યએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. રેણુકાચાર્યએ દાવો કર્યો છે કે મદ્રેસાઓમાં રાષ્ટ્રવિરોધી પાઠ ભણાવવામાં આવે છે, તેથી તેમણે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ એસ બોમાઈ અને શિક્ષણપ્રધાન બીસી નાગેશને રાજ્યની તમામ મદ્રેસાઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.


રેણુકાચાર્યએ કહ્યું કે કેટલાક રાષ્ટ્ર વિરોધી સંગઠનોએ હિજાબ મુદ્દે કર્ણાટક બંધનું એલાન આપ્યું છે. શું સરકાર આ સહન કરી શકે? શું આ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે ઇસ્લામિક દેશ છે? અમે આ સહન નહીં કરીએ. તેમણે કહ્યું કે રાષ્ટ્રવિરોધી સંગઠનોના કર્ણાટક બંધનો કોંગ્રેસના નેતાઓએ ગૃહના ફ્લોર પર બચાવ કર્યો છે.


 






રેણુકાચાર્ય ભાજપના ધારાસભ્ય છે અને સાથે જ તેઓ મુખ્યમંત્રી બોમાઈના રાજકીય સચિવ પણ છે. આ પહેલા પણ રેણુકાચાર્ય વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યા છે. આ પહેલા પ્રિયંકા ગાંધીના ટ્વીટના જવાબમાં રેણુકાચાર્યએ કહ્યું હતું કે કોંગ્રેસના મહાસચિવ દ્વારા તેમના નિવેદનમાં 'બિકીની' જેવા શબ્દોનો ઉપયોગ નિમ્ન સ્તરનું નિવેદન છે. કોલેજમાં અભ્યાસ કરતી વખતે બાળકોએ સંપૂર્ણ કપડાં પહેરવા જોઈએ. આજે સ્ત્રીઓના વસ્ત્રોને કારણે બળાત્કાર વધી રહ્યા છે કારણ કે પુરુષોને ઉશ્કેરવામાં આવે છે. આ યોગ્ય નથી. આપણા દેશમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું હતું કે બિકીની હોય, બુરખો હોય, જીન્સની જોડી હોય કે હિજાબ હોય, તે મહિલાનો અધિકાર છે કે તે શું પહેરવા માંગે છે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો.