કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી છે. યેદિયુરપ્પા આજે બપોરે લંચ બાદ રાજ્યપાલને રાજીનામું સોંપશે. નોંધનીય છે કે, આજે જ કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારે બે વર્ષ પૂરા થયા છે. કાર્યક્રમમાં યેદિયુરપ્પા ભાવુક થયા, તેમણે કહ્યું કે, હું નારાજ નથી પણ હું ખુશ છું.
રાજીનામાની જાણકારી ખુદ યેદિયુરપ્પાએ આપી છે. તેમણે કહ્યું, ‘મેં રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. હું બપોરે રાજ્યપાલ સાથે મુલાકાત કરીશ.’
કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા માટે મુખ્ય પ્રધાન બનવાથી લઈને આજ સુધીનો માર્ગ સહેલો નથી રહ્યો. જો કે ભાજપ દ્વારા કર્ણાટકના આગામી સીએમ માટે હજી સુધી સત્તાવાર રીતે કંઇ પુષ્ટિ થઈ નથી. પરંતુ ખુદ મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ થોડા દિવસ પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે તેના દિવસો થોડા જ બચ્યા છે.
કર્ણાટકના રાજકારણમાં યેદિયુરપ્પા એક મોટું નામ છે. યેદિયુરપ્પાની લાંબી રાજકીય કારકીર્દિ શિકારીપુરામાં પુરસભાના પ્રમુખ તરીકે શરૂ થઈ. પ્રથમ વખત 1983માં શિકારીપુરાથી વિધાનસભા માટે ચૂંટાયા હતા અને ત્યાંથી આઠ વખત જીત્યા. કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે આ તેમનો ચોથો કાર્યકાળ છે. આ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. યેદિયુરપ્પા વિરુદ્ધ ભાજપના અનેક નેતાઓએ વાંધા ઉઠાવતા આ કાર્યકાળ વિવાદોમાં ફસાયો હતો ખુલ્લો બળવો જાહેર કરાયો હતો.
કોણ છે બની શકે છે નવા મુખ્યમંત્રી
કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય કોલસા, ખનન તથા સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને રાજ્ય સરકારમાં ખનન મંત્રી તથા ઉદ્યોગપતિ એમઆર નિરાનીનું નામ મોખરે છે. જોકે આ બન્ને નેતાઓએ કહ્યું છે કે હજું સુધી તેમને આ અંગે કોઈ જાણકારી નથી.