નવી દિલ્હીઃ કર્ણાટકમાં રાજકીય નાટક આજે પણ પૂર્ણ થયુ નહોતું. જોકે, કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી સાંજ સુધીમાં વધારવામાં આવી પરંતુ આજે પણ ફ્લોર ટેસ્ટ થઇ શક્યો નહીં. મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ કહ્યું કે, તે સોમવારે વિશ્વાસ મતના પ્રસ્તાવનો જવાબ આપશે. આ અગાઉ રાજ્યના ગવર્નર વજુભાઇ વાળાએ મુખ્યમંત્રીને પત્ર લખીને બીજી વાર વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માટેની ડેડલાઇન આપી હતી અને સાંજે છ વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ માટેની બીજી ડેડલાઇન પાર કરી દીધી છે.


મુખ્યમંત્રી કુમારસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યપાલને નિર્દેશને પડકાર્યા છે. મુખ્યમંત્રીએ ગવર્નરની બહુમત સાબિત કરવાની ડેડલાઇન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, રાજ્યપાલ વિધાનસભા સ્પીકરને આદેશ આપી શકે નહીં. ગઇકાલે રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને દોઢ વાગ્યે બહુમત સાબિત કરવા કહ્યુ હતું ત્યારબાદ આજે સાંજે છ વાગ્યે કરવાનો આદેશ આપ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, રાજ્યપાલ વજુભાઇ વાળા કેન્દ્ર સરકારને રાજ્યની સ્થિતિ પર રિપોર્ટ મોકલશે.


નોંધનીય છે કે કર્ણાટક કોગ્રેસ બાદ મુખ્યમંત્રી કુમારસ્વામી પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમના મતે પાર્ટીને વ્હીપ જાહેર કરવાનો અધિકાર છે એવામાં તેનું પાલન થવું જોઇએ. આ અગાઉ રાજ્યપાલે દોઢ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો પરંતુ સ્પીકરે મતદાન કરાવ્યું નહોતું.કર્ણાટકના કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે કોર્ટમાં અરજી કરી હતી કે તેમના છેલ્લા આદેશમાં તેમની પાર્ટીના અધિકારનો ભંગ થાય છે. સુપ્રીમ કોર્ટે પોતાન આદેશમાં ધારાસભ્યોને વ્હિપમાં છૂટ આપી હતી.