બેંગ્લુરુઃ કર્ણાટકને લઇને કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષની યોજના લોકો સમક્ષ મુકી હતી. કોગ્રેસ અધ્યક્ષે શુક્રવારે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને મેંગલોરમાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ બંધ રૂમમાં બેસીને તૈયાર કરવામાં આવેલો મેનિફેસ્ટો નથી પરંતુ આ કર્ણાટકની પ્રજાને પૂછીને તૈયાર કરવામાં આવ્યો છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મેનિફેસ્ટો બંધ રૂમમાં બનાવવામાં આવ્યો નથી પરંતુ રાજ્યના લોકોને પૂછીને તૈયાર કરાયો છે. અમે પ્રજાને એમ નથી પૂછ્યું કે અમે શું કરીએ પરંતુ અમે તેમને પૂછ્યું છે કે તમે શું ઇચ્છી રહ્યા છો. આ માટે તમામ જિલ્લાઓ, તમામ બ્લોક અને તમામ સમુદાય અને વર્ગના લોકો સુધી ગયા અને તમને પૂછ્યું હતું કે, તેઓ શું ઇચ્છી રહ્યા છે.
પાર્ટીના મેનિફેસ્ટો જાહેર કરતા રાહુલ ગાંધીએ મોદી સરકારને નિશાન સાધ્યું હતું. ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી પોતાના મનની વાત કરે છે પરંતુ અમારા આ મેનિફેસ્ટોમાં કર્ણાટકની પ્રજાના મનની વાત છે.
રાહુલ ગાંધીએ મોદી અને ભાજપ પર મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા વચનો પૂર્ણ ન કરવાના આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું કે, બીજેપી કર્ણાટકની સંસ્કૃતિનું સન્માન નથી કરતી. બીજેપીમાં ત્રણ-ચાર લોકો મેનિફેસ્ટો બનાવે છે. બીજેપીનો મેનિફેસ્ટો કર્ણાટકની પ્રજાનો નહી પરંતુ આરએસએસનો છે.