બેંગલુરુઃ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમાયા વિવિધ મુદ્દા પર ખુલીને બોલવાનું સાહન નહીં દાખવતા પાર્ટીના કાર્યકર્તાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે પોતાનું એક જૂનું નિવેદન યાદ અપાવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, મને ગૌમાંસ પસંદ છે.


કોંગ્રેસના સ્થાપના દિવસ સંબંધિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, “મેં એક વખત વિધાનસભામાં કહ્યું હતું કે મને ગૌમાંસ પસંદ છે. તમે પૂછનારા કોણ છો. આ મારો અધિકાર છે. ભોજનને લઈ બધાની અલગ અલગ પસંદ છે. તમે સવાલ કરનારા કોણ છો? તમે નથી ખાતા તો કોઈ વાંધો નહીં હું તમને મજૂબર નહીં કરું.”

કોંગ્રેસના સ્થાપના દિવસ સંબંધિત કાર્યક્રમમાં તેમણે કહ્યું, પાર્ટીના કોઈ સહયોગી પરિણામ કે વિવાદની આશંકાના કારણે અનેક મુદ્દા પર અભિપ્રાય આપતા નથી. ગૌહત્યા વિરોધી વિધેયકનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, આપણા લોકો એમ માનીને ચુપ થઈ જાય છે કે બીજા લોકો કહે છે તે સાચું છે. તમારે આ ભ્રમમાંથી બહાર નીકળવું જોઈએ.

રાજ્યમાં ગૌહત્યા વિરોધી કાયદો લાગુ કરવા માટે એક અધ્યાદેશ લાવવાનો ફેંસલો કરવામાં આવ્યો છે તેવા જ સમયે તેમનું આ નિવેદન આવ્યું છે.