શિવમોગાઃ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સામે કર્ણાટકના શિવમોગમાં FIR નોંધાઈ છે. સોનિયા ગાંધીએ પીએમ કેયર ફંડનો દુષ્પ્રચાર કર્યો હોવાનો તેમના પર આરોપ છે.

સોનિયા ગાંધી સામે ફરિયાદ નોંધાવનારા એડવોકેટ કેવી પ્રવીણ કુમારે કહ્યું, તેમણે પીએમ કેયર ફંડને ફ્રોડ ગણાવ્યું હતું. કોવિડ-19 પરિસ્થિતિમાં આ સરકાર સામેની એક અફવા છે, તેથી મેં સોનિયા ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે.

11 મેના રોજ કોંગ્રેસના ટ્વિટર હેન્ડ પરથી પીએમ કેર ફંડને લઈ ખોટી માહિતી ફેલાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એફઆઈઆરમાં સોનિયા અને કોંગ્રેસના બીજા નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.


કોંગ્રેસે ટ્વિટ કરીને પીએમ કેયર્સ ફંડની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યો હતો. ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, ભાજપની દરેક યોજનાની જેમ પીએમ કેયર્સ ફંડમાં પણ ગોપનીયતા જાળવી રાખી છે. શું પીએમ કેયર્સ ફંડમાં ફાળો આપનારા દેશવાસીઓને તેના ઉપયોગ અંગે જાણકારી ન હોવી જોઈએ ?

અન્ય ટ્વિટમાં લખવામાં આવ્યું કે, પીએમ કેયર્સ ફંડની સ્પષ્ટ થઈ રહ્યું છે કે ફંડ જનતાની નહીં પ્રધાનમંત્રીની કેયર માટે બનાવાયું છે. જો ભાજપ સરકારમાં જનતાની કેયર કરવાની ઈચ્છાશક્તિ હોત તો સડક પર પ્રવાસી મજૂરોની લાંબી લાઈનો ન હોત.