રામપુરઃ રામપુરના સિવિલ લાઈન વિસ્તારમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાને અંજામ આપીને હત્યારા ફરાર થઈ ગયા હતા. જાણકારી મુજબ ભાજપ નેતા અનુરાગ શર્મા સ્કૂટીથી બુધવારે રાતે લગભગ 8 વાગ્યે તેના ઘરે જતાં હતા ત્યારે રસ્તામાં તેમને ગોળી મારવામાં આવી હતી. અનુરાગ શર્માને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.


જિલ્લા હોસ્પિટલમાં ડોકટરન ન હોવાના કારણે નારાજ સમર્થકોએ જિલ્લા હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. અનુશર્મા શર્માની પત્ની શાલિની શર્મા રામપુર નગર પાલિકાના વોર્ડ 4થી ભાજપની સભ્ય છે. અનુરાગ શર્મા પહેલા હિન્જુ જાગરણ મંચ અને શિવસેના સાથે જોડાયેલા હતા. પોલીસના કહેવા મુજબ, અનુરાગ શર્માને બે ગોળી ધરબી દેવામાં આવી હતી.

પોલીસે ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યુ છે. આ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં પાંચ હત્યાથી ઉત્તર પ્રદેશની કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે.

બુધવારે રામપુરમાં ભાજપ નેતાની હત્યા પહેલા સંભલમાં એક લારીવાળાની હત્યા થઈ હતી. અમરોહામાં એક ખેડૂતની હત્યા કરવામાં આવી હતી. લોકડાઉનમાં સતત થઈ રહેલી હત્યાથી પોલીસ પર સવાલ ઉભા થયા છે.